મોરબી જિલ્લાના મોટા ભાગના માર્ગો જર્જરિત અવસ્થામાં છે ઠેર ઠેર માર્ગ પરના ખાડા વાહન ચાલકોના જીવ લઈ રહ્યા છે મોરબી જિલ્લા પંચાયત હસ્તકના એક ગામ કે તાલુકાને જોડતા માર્ગો અત્યંત દયનીય સ્થિતિમાં તેમાં પણ મોરબી તાલુકાના નેશનલ હાઈવેથી પીપળી રોડને જોડતા માર્ગ પર ગાળા ગામ પાસે આવેલ બ્રીજ તૂટેલી હાલતમાં છે.આ બ્રીજ પરથી અનેકવાર વાહન નીચે પડી જવાની ઘટના બની છે ગ્રામજનોએ અનેકવાર જિલ્લા પંચાયત વિભાગમાં લેખિત રજૂઆત કરવા છતાં આજ સુધી મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બ્રીજનું કામ શરુ કરવામાં ન આવતા ગુરુવારે મોડી રાતે એક નિર્દોષ યુવકનો ભોગ લેવાયો હતો ગુરુવારે મોડી રાતે ગાળા ગામના પુલ ઉપર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામાંકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા નિલેશભાઈ થોભણભાઈ હમીરપરા નામનો 42 વર્ષનો યુવાન ગુરુવારે 8 વાગ્યાની આસપાસ બાઈક લઈને અણિયારીથી મોરબી આવી રહ્યા હતા ત્યારે ગાળા ગામના જર્જરિત પુલ ઉપર બાઈક લઈને પસાર થતી વખતે એક મસમોટા જીવલેણ ખાડામાં બાઈક સાથે નીચે પટકાતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ પુલ એટલી હદે જર્જરિત અવસ્થામાં છે કે ત્યાંથી વાહન લઈને નીકળવું એટલે અકસ્માતને સામે ચાલીને બરોબર છે. તેથી તંત્રએ વહેલીતકે આ જોખમી પુલ અવરજવર માટે બંધ કરીને તેના રીનોવેશન માટે યોગ્ય કામગીરી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.જો તંત્રને આ એક મોત બાદ પોતાની જવાબદારીનું ભાન થયું હોય તો તાત્કાલિક અસરથી રીપેર કરે તે જરૂરી છે

