મોરબી જીલ્લામાં કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધા સાથે નિ:શુલ્ક સારવાર મળી રહે તે હેતુથી મોરબી જીલ્લાના માળીયા તથા ટંકારા એમ બે તાલુકા મથકોએ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. ટંકારા ખાતે સરકારી સિવિલ હોસ્પિટલ તેમજ માળિયા ખાતે સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. મોરબી તથા વાંકાનેર ખાતે અગાઉથી ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે ત્યારે હવે જીલ્લાના અન્ય બે તાલુકાઓમાં કિડનીના દર્દીઓને ડાયાલિસિસની સારવાર મેળવવી સહજ બનશે.
આ બંને તાલુકાઓમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સુવિધા પ્રાપ્ત થવાથી તેમને ઘર આંગણે ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને સારવાર અર્થે મોરબી કે રાજકોટ સુધી લાંબા નહીં થવુ પડે. આ ઉપરાંત ખાનગી દવાખાનામાં સારવાર અર્થે તેમના પર પડતા નાણાકીય ભારમાંથી પણ કિડનીના દર્દીઓને હવે વધુ રાહત મળશે.

