ભાવનગરમાં આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે તેઓના આગમનને લઈ ભાવેણામાં થનગનાટ જોવા મળી રહ્યો છે. પીએમની સુરક્ષા અર્થે લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. આઠ એસપીની નિગરાનીમાં ૩૦૦૦ પોલીસ અધિકારી, પોલીસ કર્મચારી બંદોબસ્તમાં ફરજ બજાવશે. પીએમ મોદીની સુરક્ષાને લઈ આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
જ્યારે ભાવનગર એરપોર્ટથી લઈ સભા સ્થળ જવાહર મેદાન સહીતના વિસ્તારોમાં પોલીસ જવાનોને પોઈન્ટ ફાળવણી કરતા શહેર પોલીસ છાવણીમાં તબદીલ થતું જોવા મળ્યું હતું. શહેરના ખુણે ખુણે અને બાગ બગીચા ઉપર પોલીસ જવાનો જોવા મળ્યા હતા. અને પોલીસ વાહનોની અવર જવર સતત જોવા મળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી રહ્યા છે. બપોરે તેઓના આગમન સાથે ભાવનગર એરપોર્ટથી સભા સ્થળ જવાહર મેદાન સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સભાને સંબોધન બાદ અનેક લોકાર્પણના કાર્યક્રમ યોજાશે. પીએમના આગમનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના માર્ગો ટનાટન કરી દેવાયા છે. બાગ બગીચાને સુશોભીત કરાયા છે. નવોઠાની માફક ભાવેણાને શણગારાયું છે. પીએમના આગમનને લઈ સરકારી તંત્ર તડામાર તૈયારીમાં પડયું છે.
એરપોર્ટથી જવાહર મેદાન સુધી રીહર્સલ કરવામાં આવ્યુ હતુ જેને લઈ અનેક માર્ગ બંધ કરાયા હતા. માર્ગ બંધ કરાતા શહેરીજનો હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા હતા. અને લાંબો સમય પોઈન્ટ ઉપર ઉભા રહેવાની નોબત પણ આવી હતી.ભાવનગરમાં પધારતા પીએમ મોદીની સુરક્ષામાં રેન્જ ડીઆઈજી યાદવની આગેવાની તળે આઠ એસપીને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી છે. જેમા એક એસપી કોન્વેયમાં, એક રોડ બંદોબસ્ત, પાંચ એસપી સભાસ્થળની જવાબદારી સંભાળશે. જ્યારે સુરક્ષામાં ૨૨ ડીવાયએસપી., ૫૫ પોલીસ ઈન્સ્પેકટર, ૧૩૫ પોલીસ સબ ઈન્સ્પેકટર, ૧૭૦૭ પોલીસ જવાન, ૫૨૨ મહીલા પોલીસ, પાંચ બીડીએસ ટીમ, આઠ હથીયારી ગાર્ડ, ૧૨ ઘોડે સ્વાર, ૩૮ ટ્રાફિક પોલીસ, ૭૭૦ હોમગાર્ડ, ૭૮ ડીએફએમડી, ૧૨૧ એચએચએમડી સહીત ૩૦૦૦ પોલીસ અધિકારી-કર્મચારી બંદોબસ્ત પુરો પાડશે.
સાથે ૯૬ પોલીસ જવાન દુરબીનની તિસરી આંખથી સમગ્ર રૂટ અને જવાહર મેદાન ઉપર બાઝ નજર રાખશે. સાથે ૨૧૧ પોલીસ વોકી ટોકી સાથે ફરજ પર તૈનાત રહેશે. અને ૨૦ વીડિયોગ્રાફર સમગ્ર રૂટને કેમેરામાં કંડારશે

