દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારના રોજ ગુજરાતના એક અનુસુચિત જાતિના સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને તેના પરિવાર સાથે પોતાના ઘરે લંચ માટે આમંત્રણ આપ્યું હતું.
ભાવભીનું સ્વાગત: કેજરીવાલે હર્ષને ભેટીને શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું. કેજરીવાલનું સ્વાગત અને તેમની આત્મીયતા જોઈને હર્ષ સોલંકી ભાવુક થઈ ગયા હતા. તેમણે સીએમ કેજરીવાલને બાબાસાહેબની એક તસવીર ભેટમાં આપી હતી. તેમણે બપોરે 01:30 કલાકે CM અરવિંદ કેજરીવાલ સાથે લંચ કર્યું હતું. ત્યારબાદ બપોરે 2:30 વાગ્યે તેઓ સરકારી હોસ્પિટલ જોવા માટે રવાના થયા હતા. ત્યારબાદ સાંજે 6:30 કલાકે દિલ્હીથી ગુજરાત પરત આવ્યા.
દિલ્હીમાં ડિનર: દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચતા જ હર્ષે કહ્યું હતું કે, ‘મને ઘરે લંચ માટે આમંત્રણ આપવા બદલ હું મુખ્યમંત્રી કેજરીવાલનો આભાર માનું છું. આવું ક્યારેય નહોતું વિચાર્યું. લાગી રહ્યું છે કે જાણે ખુલ્લી આંખે સપનુ જોઈ રહ્યો છું. અમને દૃઢ આશા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના વાલ્મિકી સમાજની સમસ્યાઓનું નિરાકરણ લાવશે.’કેજરીવાલે અમદાવાદના સફાઈ કર્મચારીને લંચ માટે આમંત્રણ આપ્યું હતું.
અમદાવાદથી દિલ્હી: અમદાવાદમાં ટાઉનહોલ મિટિંગ દરમિયાન સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને પોતાના ઘરે જમવા માટે આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ સફાઈ કર્મચારી અને તેનો આખો પરિવાર સોમવારના રોજ સવારે દિલ્હી એરપોર્ટ ઉપર પહોંચ્યો હતા. ત્યાં AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાએ તેમનું સ્વાગત કર્યું હતું. પંજાબ ભવનમાં તેમના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. કેજરીવાલે સફાઈ કર્મચારી અને તેના પરિવારની અવર-જવરની વ્યવસ્થા પોતાના તરફથી કરી હતી.

