પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે ભાઈશ્રીની ઉપસ્થિતિમાં વૈદિક પદ્ધતિથી યજ્ઞ યોજાશે
કોરોના દિવંગતોના મોક્ષાર્થે મોરબી ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજીત ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે અને સમગ્ર મોરબી ધર્મમય બની ગયું છે. આગામી તારીખ 18 સુધી ચાલનારી આ કથા દરમિયાન તારીખ 17 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 72 મો જન્મદિવસ છે અને સમગ્ર ભારતવાસીઓ મોદીના દીર્ઘાયુષ્યની કામના કરી રહ્યા છે ત્યારે મોરબી ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાના નિવાસસ્થાને ભાઇશ્રીની ઉપસ્થિતિમાં નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આયુષ્ય યજ્ઞ કરવામાં આવશે.
ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં અનોખી એવી સાંદીપની વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા સમગ્ર વિશ્વમાં વૈદિક અનુષ્ઠાન અને વિદ્વતાપૂર્ણ યજ્ઞકાર્યો થકી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરીને આર્યાવર્તની અસ્મિતાની ધજા લહેરાવાઈ રહી છે. આ સમયે કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં પ્રધાનમંત્રીના 72 મા જન્મદિવસે એટલે કે આગામી તારીખ 17 ને શનિવારના રોજ બપોરે 3:30 કલાકે ઉમા ટાઉનશીપ મુકામે કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને નરેન્દ્ર મોદીના દિર્ઘાયુષ્ય માટે સનાતની વૈદિક પદ્ધતિથી આયુષ્ય યજ્ઞ કરવામાં આવશે. પ્રધાનમંત્રીની લાંબી આવરદા માટે સમગ્ર ભારત દેશમાં વિવિધ યજ્ઞો અને વિવિધ કાર્યક્રમો યોજાનાર છે ત્યારે મોરબીમાં પણ નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આયુષ્ય યજ્ઞ યોજાશે.

