ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પુર્વે જ ભાજપે 15 રાજયોના નવા પ્રભારી નિયુક્ત કર્યા છે. તેમાં રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાજપ માટે સૌથી ‘ટફ’ ગણાતા પંજાબના પ્રભારી બનાવી દેવાયાં છે. લાંબા ગાળાના આયોજન તથા વ્યુહરચના માટે રૂપાણીને જવાબદારી સોંપાઈ છે તે મહત્વનું છે.ગુજરાતમાં એક વર્ષ પુર્વે જ મુખ્યમંત્રી પદ છોડતા સમયે રૂપાણીએ હવે મને ‘સંગઠન’માં કામ કરવાની ઈચ્છા છે તેવું જણાવ્યું હતું અને પક્ષે પણ તે માટેનો ‘કોલ’ સ્વીકારી લીધો છે.
મોટો નિર્ણય; ગુજરાત ચૂંટણી માટે ભાજપના કોર ગ્રુપમાં સમાવાયા છે અને હજું ગુજરાતની ચૂંટણી સુધી તેઓ રાજયમાં જ રહેશે તેવા સંકેત છે. તથા બાદમાં પંજાબમાં પક્ષ તેમનો પ્રવાસ નિશ્ચીત કરશે. પંજાબમાં ભાજપ માટે કદી પૂર્ણ સતા આવી નથી. અકાલીદળના સાથથી ભાજપે રાજયમાં શાસન કર્યુ છે અને હાલની ધારાસભા ચૂંટણીમાં ભાજપને ફકત બે બેઠકો મળી હતી પણ રસપ્રદ બાબત એ છે કે પંજાબમાં કોંગ્રેસ લગભગ ‘ખત્મ’ થઈ છે અને હવે આમ આદમી પાર્ટીની સરકાર છે.
મોટો પડકાર: રૂપાણીનેે માટે આમ આદમી ફેકટર મહત્વનું બની જશે અને તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ માટે મુખ્ય હરીફ કોંગ્રેસ નહી પણ ‘આપ’ હોય તે રીતે ભાજપ આ પક્ષને ટાર્ગેટ કરી રહ્યો છે તો રાષ્ટ્રીય કક્ષાએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ રાષ્ટ્રીય ચેલેન્જ બનવા માટે તૈયારી કરી છે. શ્રી રૂપાણીએ ગુજરાતમાં વર્ષો સુધી સંગઠનમાં મહત્વની જવાબદારી સંભાળી છે અને તેઓ આરએસએસ સાથે સંકળાયેલ છે તેથી સંગઠન ક્ષેત્રે તેઓ માટે પંજાબ હવે મોટો પડકાર હશે.

