મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સાથે મળીને સરકાર બનાવીને ઉદ્ધવ ઠાકરેને આકરો ઝાટકો આપનાર ભાજપ હજુ પણ પોતાનું અભિયાન રોકવાના મૂડમાં નથી. બે દિવસની મુંબઇની મુલાકાતે પહોંચેલા અમિત શાહે આ સંકેત આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે પાર્ટી નેતાઓની મીટિંગમાં અમિત શાહે કહ્યું કે શિવસેનાને તેનું સ્થાન બતાવવું જરૂરી છે. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને તેમને સબક શીખાવાડવો જરૂરી છે. ભાજપના એક નેતાએ અમિત શાહના નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેમણે(શાહ) કહ્યું છે કે,‘રાજનીતિમાં આપણે બધું સહન કરી શકીએ, પરંતુ વિશ્વાસઘાત સહેજ પણ સહન કરી શકાય નહીં.’
બીએમસી ચૂંટણીની તૈયારીઓનું પણ મૂલ્યાંકન કર્યું છે. આ દરમિયાન અમિત શાહે કહ્યુંકે આપણે એવા પ્લાન પર કામ કરવું જોઈએ કે કેવી રીતે ચૂંટણીમાં ભાજપ મિશન-150નું લક્ષ્ય હાંસલ કરી શકે છે. અહીંયા નોંધવું રહ્યું કે બીએમસી દેશની સૌથી મોટી મહાનગરપાલિકા છે અને ભાજપ છેલ્લા ઘણા વર્ષોથી બીએમસી પર કબજો કરવા ઈચ્છે છે. આ વખતે એકનાથ શિંદેની સાથે મળીને ભાજપ શિવસેનાને પછાડવા તૈયારી કરી રહ્યું છે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં ભાજપ રાજ ઠાકરે સાથે મળીને ઉમેદવાર ઉતારવા ઉત્સુક છે, જેનાથી શિવસેનાના વોટ કાપી શકાય.

