રાજકોટના એંસી ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસે વહેલી સવારે વાહનમાં પોલીસ પાર્ટીના વાહન સાથે પસાર થતા મહાપાલિકાની ઢોર પક્કડ પાર્ટીના કર્મચારીઓ ઉપર વાંચી ન શકાય તેવી નંબર પ્લેટ સાથેની બાઈક ઉપર મોઢે રૂમાલ બાંધીને આવેલા બે શખ્સોએ જલદ્ મિર્ચી સ્પ્રે છાંટતા ચકચાર જાગી છે.
ત્રણ દિવસમાં જ આ ત્રીજો હુમલો થયો છે અને આજે બે કર્મચારીઓને ઈજા પહોંચતા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ પહેલા ગઈકાલે રાત્રે રેસકોર્સમાં પણ ઢોર પકડ પાર્ટી પર હુમલો થયો હતો. લોકોને ત્રાસરૂપ ઢોર પકડતા સ્ટાફમાં ભય ફેલાય તેવી આ ઘટનાના ઘેરા પડઘાં પડયા છે અને મનપા-પોલીસે વધુ કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે.રાજ્યમાં રસ્તે રઝળાવાતા ઢોરના પ્રશ્ને હાઈકોર્ટે તાજેતરમાં ડાયરેક્શન આપતા અને સરકારે કડક પગલા લેવાની સૂચના અન્વયે મહાપાલિકાએ અગાઉ બે શીફ્ટમાં ધીમી ગતિએ ચાલતી ઢોર પક્કડની કામગીરી પાંચેક દિવસથી રાઉન્ડ ધ ક્લોક એટલે કે રાત્રિના પણ શરૂ કરાવી છે અને આ માટે ત્રણ ટીમોએ કામ શરૂ કર્યું છે.

