રશિયાની ગુપ્તચર એજન્સીએ ભારતીય નેતા પર આત્મઘાતી હુમલાનું કાવતરુ ઘડનારા ISISના એક આતંકવાદીને પકડ્યો છે. એજન્સીએ સોમવારે જણાવ્યું હતું કે, આતંકી મધ્ય એશિયાના દેશનો નાગરિક છે, જેને પયગંબર સામે આક્રમક ટિપ્પણી કરનારા ભારતીય નેતા પર આત્મઘાતી હુમલા માટે ખાસ તાલીમ આપવામાં આવી હતી.
ફેડરલ સિક્યોરિટી સર્વિસનો રિપોર્ટ: રશિયાની ફેડરલ સિક્યોરિટી સર્વિસ (એફએસબી)ના જણાવ્યા અનુસાર ISISના એક અગ્રણી નેતાએ એપ્રિલ-જૂન ૨૦૨૨ના ગાળામાં આ વિદેશી નાગરિકની આત્મઘાતી બોમ્બર તરીકે ભરતી કરી હતી એવી માહિતી તાસ ન્યૂઝ એજન્સીએ આપી હતી. એફએસબીએ જણાવ્યું હતું કે, ‘ફેડરલ સિક્યોરિટી સર્વિસે રશિયામાં ISISના એક સભ્યની ધરપકડ કરી હતી.
આતંકવાદી હુમલાની યોજના બનાવી: આ વ્યક્તિ મધ્ય એશિયાના દેશનો નાગરિક હતો. તેણે ભારતના શાસક વર્તુળોના એક સભ્ય પર આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી.’
આત્મઘાતી હુમલાની તૈયારી હતી: રશિયા જવાનું અને ત્યાંથી જરૂરી દસ્તાવેજ મેળવી આતંકી હુમલા માટે ભારત રવાના થવાની સૂચના અપાઈ હતી. આતંકવાદીએ કબૂલ્યું હતું કે, તે ભારતના શાસક વર્તુળોના એક સભ્ય પર પયગંબરના અપમાન માટે આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યો હતો. રશિયન એજન્સીએ સોમવારે જારી કરેલા આતંકવાદીની પૂછપરછના વીડિયોમાં તેનો ચહેરો બરાબર દેખાતો ન હતો. આતંકીએ જણાવ્યું હતું કે, ‘પયગંબરના અપમાન બદલ ISISના નિર્દેશ અનુસાર મને ત્યાં (ભારતમાં) આતંકી હુમલા માટે જરૂરી ચીજો પૂરી પાડવામાં આવનાર હતી.

