રાજસ્થાનના જાલોર જીલ્લાના સાયલા તાલુકામાં આવેલ પ્રાથમિક શાળામાં અનુસુચિત જાતિના ત્રીજા ધોરણમાં ભણતા આઠ વર્ષના ઈન્દ્ર દેવરામને અલગ રાખેલા પાણીના મટકામાંથી પાણી પીવા માત્રથી સરસ્વતી વિદ્યા મંદિરના સંચાલક અને શિક્ષકે બેરહેમી પૂર્વક માર મારતાં સારવાર દરમ્યાન બાળકનું મૃત્યુ થયું હતું જેથી આ શિક્ષકને સજા આપવાની માંગ સાથે ટંકારા બહુજન સમાજ પાર્ટી દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું.
એક તરફ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે રાજસ્થાનમાં એક માસુમ બાળક ઈન્દ્ર મેઘવાળને તેની જ શાળાના આચાર્યએ કાનના ભાગે ફડાકા મારતા તેનું મોત થયું હતું. બાળકની ભૂલ માત્ર એટલી જ હતી કે તે નીચી જ્ઞાતિનો હતો અને તેણે કથીત રીતે ઉચ્ચ જ્ઞાતિના આચાર્યના મટકામાંથી પાણી પીધું ! જાતિવાદના ઝેરી સાંપને તાકીદે નાથવાની મસમોટી વાતો કરતા સમાજમાં જયારે શિક્ષક જ જ્ઞાતિ ભેદભાવ ધરાવતા હોય તો સામાન્ય લોકો કેવી રીતે બહાર આવશે તે એક સવાલ છે ત્યારે આવી ઘટના ફરી ન બને અને કોઈપણ રાજ્ય કે કેન્દ્રની સરકાર હોય તમામને ચેતવણી આપતા ટંકારા બહુજન સમાજ પાર્ટી દ્વારા મામલતદારને આવેદન આપી ચિમકી આપેલ છે અને સાથે ગુજરાતમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે એવી અપીલ કરી હતી. આ તકે બહુજન સમાજ પાર્ટીના આગેવાનો હેમંતભાઇ ચાવડા, પ્રવીણભાઈ ચૌહાણ, દિલીપભાઇ મકવાણા, અશ્વિનભાઈ પરમાર, હસમુખ પડાયા, જીવરાજભાઈ, નરેન્દ્રભાઈ, દેવજીભાઈ સહિતના બહોળી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતાં.

