5 દિવસથી ટાંકો લખાવ્યો પરંતુ હજુ સુધી આવ્યો નથી: મહિલાઓ
હળવદમાંથી પસાર થતી નર્મદા કેનાલ બંધ હોવાથી પાણીની સમસ્યા સપાટી પર આવી છે. જેમાં આજે નગરપાલિકા કચેરી ખાતે રુદ્ર ટાઉનશીપ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં હાજર રહી પાણીની માંગ કરી હતી. તો સાથે પાણીનું ટેન્કર પાંચ પાંચ દિવસ પહેલા લખાવ્યા છતાં પણ ન આવતું હોવાની રજૂઆત કરી હતી. પાણીની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રસ્તા પર ઉતરવાની ચીમકી આપી હતી.
હળવદ નગરપાલિકા કચેરી ખાતે આજે રુદ્ર ટાઉનશીપના રહીશો મોટી સંખ્યામાં પાણીની રજૂઆત કરવા દોડી આવ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી સમયસર આપવા માંગણી કરી હતી. તો સાથે દર બે દિવસે પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી.

જો પાણી છોડવામાં નગરપાલિકા અસમર્થ હોય તો બે ટાંકા દ્વારા પાણી આપવામાં આવે. વધુમાં જણાવ્યું હતું કે, નગરપાલિકાના સભ્ય દ્વારા અમારી સોસાયટી સાથે વહાલા દવલાની નીતિ અપનાવતા હોવાના આક્ષેપ લગાવ્યા છે. હરિનગરમાં રાત્રીના બે વાગ્યા સુધી પાણીના ટેન્કર આપવામાં આવે છે. જ્યારે અમારી રુદ્ર ટાઉનશીપ સોસાયટીમાં ધ્યાન આપતા નથી. જેથી કરીને નગરપાલિકા સમયસર પાણી આપે નહીંતર આગામી દિવસોમાં રસ્તા રોકીશું તેમજ મટકા ફોડ કાર્યક્રમ કરી વિરોધ નોંધાવાની ચીમકી આપી હતી.
આવતીકાલથી પાણી આવી જશે: નગરપાલિકા પ્રમુખ
રુદ્ર ટાઉનશીપના રહીશો દ્વારા પાણી બાબતે રજૂઆત કરતા પાલિકા પ્રમુખ રમેશભાઇ પારેજીયાએ જણાવ્યું હતું કે, વારાફરતી પાણી આવશે. આવતીકાલે પાણી સોસાયટીમાં આપવામાં આવશે.

