સરકારી જગ્યામાં વૃક્ષો વાવવાનું આયોજન ભારે પડ્યું
મોરબી નજીક આવેલા રવાપર ગામમાં સરકારી ખરાબાની જગ્યામાં વૃક્ષો વાવવા માટે સાફ સફાઈ કરતા પૂર્વ સરપંચને બે દાદુ શખ્સોએ આડેધડ માર મારતા બંને ઈસમો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મોરબી શહેર અડીને આવેલા રવાપર ગામના સરપંચ નીતિનભાઈના ભાઈ નવીનભાઈ રુગનાથભાઈ ભટ્ટાસણા બુધવારે બપોરના સમયે ગામના ધાયડી વિસ્તારમાં આવેલા પાણીના સંપ નજીક સરકારી જગ્યામાં વૃક્ષો ઉછેરવા માટે સાફ-સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન આ જ વિસ્તારમાં રહેતા ભુપત તેજાભાઈ જારીયા અને અમિત તેજાભાઈ જારીયા નામના બે શખ્સો આવી ચડ્યા હતા અને આ જગ્યા અમારી છે અહીં સફાઈ કરશો નહીં તેવું જણાવી ગાળો આપી હતી તેમજ નવીનભાઈને મોઢાના ભાગે જોરદાર ઝાપટ મારીને ઈજા પહોંચાડ્યા બાદ બંને ઈસમોએ ઢીકાપાટુનો બેફામ માર મારતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે ગામના લોકો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલે દોડી ગયા હતા અને આરોપીઓને પકડી લઈ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગણી કરી હતી જે બાદ નવીનભાઈ ભટાસણાએ બંને શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

