મોરબી શહેરની મધ્યમાંથી અમરેલી ગામ તરફ જતી મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઈનોર કેનાલની રૂ 132 .28 લાખના ખર્ચે અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન કામગીરી લોકાર્પણ ગુરૂવારે કરવામાં આવ્યું હતું.આ માઈનોર કેનાલનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત , ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લોકાર્જપણ કર્ણાયું હતું આ તકે મંત્રી બ્રીજેશભાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ખુલ્લી કેનાલ હોવાથી અકસ્માત, બાળકો કે પશુઓને નહેરમાં પડવાનો ભય, ગંદકી, નહેર ચોક-અપ થઈ જતી તેમજ છેવાડાના વિસ્તારમાં ખેડૂતોને પાણી ન પહોંચે જેવી વિવિધ સમસ્યાઓ નિવારવા આ નહેરને પાઇપ નહેર બનાવવાની છેલ્લા ઘણા સમયથી માંગણી હતી. આ તમામ સમસ્યાઓના વિકલ્પ સ્વરૂપે આ પાઇપ નહેરને આકાર અપાયો છે. લોકોની આ લાગણી અને માંગણી પરિપૂર્ણ થઈ તે બદલ મંત્રીએ મુખ્યમંત્રી તેમજ સિંચાઈ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ કાર્યમાં સાંસદ મોહનભાઇ કુંડારીયાનો પણ પૂરો સહકાર મળ્યો હોવાનું જણાવી ઝડપી કામ પૂર્ણ કરવા સિંચાઈ વિભાગની ટીમ અને આ કાર્યમાં સહકાર બદલ નગરજનો અને જનપ્રતિનિધિઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દરેક ખેડૂતને ખેતરે પાણી મળે તે માટે હંમેશા કાર્યરત છે તેમજ તર્કબદ્ધ, સમયસર અને પરિણામલક્ષી કાર્ય કરવા અમે કટિબદ્ધ છીએ.
મચ્છુ-૨ સિંચાઈ યોજનાની મુખ્ય નહેરની ડાયરેક્ટ માઇનોર M-2/R ની સાંકળ 2200 મીટર પાઇપ નહેરના લોકાર્પણ થકી M-2/R ના કમાન્ડ વિસ્તારનાં ખાતેદારોને સિંચાઇની સુવિધા ઉપ્લબ્ધ થઈ છે. આ નહેર થકી સિંચાઈની સુવિધાથી વંચિત રહી ગયેલ નીચલાવાસના વજેપર – માધાપર, અમરેલી તથા ગોર ખીજડીયા ગામોના કુલ ૭૮૯ હેકટર વિસ્તારને સમયસર સિંચાઈ માટે પાણી આપી શકાશે. આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ ભાવેશભાઈ કણજારિયાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનાં ચુંટાયેલ હોદેદારો હાજર રહ્યા હતા

