મોરબી શહેરની નજીક આવેલ રાજપર ગામમાં રાજાશાહી સમયના એરોડ્રામની જગ્યા પર એરપોર્ટ બનાવવા સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી હતી અને તેના માટે ગ્રાન્ટ પણ ફાળવતા માર્ગ મકાન વિભાગ દ્વારા હાલ એરપોર્ટની ફરતે રૂ 4.5 કરોડના ખર્ચે 5500 મીટર લાંબી અને 20 ફૂટ ઉચી બાઉન્ડ્રી વોલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અને 6કામગીરી માટે 6 મહિનાના મુદત આપવામાં આવી હતી અને આગામી 28 જુનના રોજ આ મુદત પૂર્ણ થવાની છે જોકે આટલા સમયમાં માત્ર 3000 મીટર એટલે કે 60 ટકા જેટલું કામ જ પૂર્ણ થઇ શક્યું છે જયારે 2500 મીટર વોલનું કામ અટક્યું છે.આ કામગીરી અટકાવનું કારણ સ્થાનિક ખેડૂતોનો રસ્તાના પ્રશ્ને વિરોધ જવાબદાર હોવાનું સામે આવ્યું છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બાઉન્ડ્રી વોલની એક સાઈડમાં 8 જેટલા ખેડૂત ખાતેદારને ખેતરમાં જવાનો રસ્તો નીકળે છે. અને હાલ તેઓ ત્યાંથી આવન જાવન કરે છે. બાઉન્ડ્રી વોલ બન્યા બાદ તેઓનો રસ્તો બંધ થઇ જાય છે અને તેમને અન્ય વૈકલ્પિક રસ્તો ફાળવવામાં આવ્યો ન હોવાથી બાઉન્ડ્રી વોલ બનાવાનો વિરોધ કરી રહ્યા છે જેના કારણે 2500 મિટર જેટલી બાઉન્ડ્રી વોલનું કામ અટકેલું પડ્યું છે અને આગામી 28 જૂનના રોજ બાઉન્ડ્રી વોલની કામગીરી માટે આપેલ મુદત પણ પૂર્ણ થઇ જશે.
એક મહિના પહેલા એરપોર્ટ એથોરીટીની ટીમે મોરબીમાં બની રહેલા એરપોર્ટના નિરીક્ષણ માટે આવી ત્યારે જિલ્લા કલેકટર પ્રાંત તેમજ મામલતદાર સહીતના અધિકારીઓની હાજરીમાં એક બેઠક કરી આ મુદાનો ઉકેલ લાવવા પણ સુચના આપી હતી જોકે આ સુચનાને જાણે સ્થાનિક તંત્ર ઘોડીને પી ગયું હોય તેમ આજ દિન સુધી તેમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી જેના કારણે એક તરફ ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે તો બીજી તરફ એરપોર્ટની બાઉન્ડ્રી વોલની કામગીરી અદ્ધરતાલ પડી છે.

જમીન વિવાદ ઉકેલાયા બાદ જ કામ આગળ વધી શકે તેમ છે
અમારા વિભાગ દ્વારા સોપવામાં આવેલ કામગીરી સમયસર શરુ કરી દેવામાં આવી હતી જોકે ખેડૂતોના નીકળવાના રસ્તા બંધ થતા હોવાથી તેઓએ વિરોધ કરી કામગીરી અટકાવતા સમયસર કામ પૂર્ણ થઇ શક્યું નથી હવે મામલતદાર અથવા પ્રાંત અધિકારી ફેર જમીન માપણી કરાવી ખેડૂતોનો નવો રસ્તો કાઢી દેવામાં આવશે એટલે બાકીની કામગીરી પણ પૂર્ણ કરી દેવાશે જરૂર પડ્યે એજન્સીને કામ કરવાની મુદત વધારી દેવાશે.કામ માટે રકમ અગાઉથી નક્કી હોવાથી તેનાથી ખર્ચમાં કોઈ વધારો નહી થાય મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોંજાએ જણાવ્યું હતું.
(બોક્સ)રસ્તાને લઇ કોઈ વિવાદ સામે નથી આવ્યો માર્ગ મકાન વિભાગ સાથે સંકલન કરી કામગીરી આગળ વધારીશું
એરપોર્ટ પાસે ખેડૂતોના રસ્તાને લઇ કોઈ વિવાદ મારી સામે આવ્યો નથી તેમ છતાં આગામી દિવસમાં માર્ગ મકાન વિભાગ અને સ્થાનિક લોકોને સાથે રાખી સંકલન કરી કોઈ વિવાદ હશે તો ઉકેલ લાવીશું અને એરપોર્ટ કામગીરી આગળ વધારીશું

