ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામમાં હૈયું હચમચી ઉઠાવતી ઘટના બની છે. જેમાં આઠ વર્ષની કુમળી વયની દીકરી પાસે વસ્તુ મંગાવવાના બહાને ઘરમાં બોલાવી નરાધમ શખ્સે દુષ્કર્મ ગુજારી બાદમાં પાપ છુપાવવા માટે હત્યા કરી મૃતદેહને ગામના સીમાડે અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી . આ ઘટનાની હક્કીતો સામે આવતા ગ્રામજનો અને પંથકવાસીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ ગંભીર ઘટનાને લઈ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને એએસપી ઓમપ્રકાશ જાટએ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ દોર હાથમાં લીધાના ગણતરીના કલાકોમાં જ નરાધમ શખ્સની ઓળખ કરી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી શખ્સને ફાંસીની સજા અપાવવા તેના જ પરિવારજનોએ માંગ કરી છે.

કોડીનાર તાલુકાના જાત્રખાડી ગામના એક યુવકઅને તેના પરિજનો રામ રોટી લેવા બહાર ગયા હતા.દરમિયાન દસેક વાગ્યે પાડોશીએ માસુમ દીકરીને ગામમાં સેવ લેવા મોકલી હતી. ત્યારે રસ્તામાં આરોપી શામજી ભીમાભાઈ સોલંકીએ આ દીકરીને પૈસા આંપી તેમના માટે બીડી- બાકસ મંગાવ્યા હતા. બાદમાં બજારમાંથી વસ્તુઓ લઈ દીકરી બીડી-બાકસ દેવા ઘરમાં ગઇ એ સમયે ઘરમાં એકલો હોવાથી શામજીએ પોત પ્રકાશ્યુ હોય તેમ દીકરીને અંદર ખેચી દરવાજો બંધ કરી માસુમ ઉપર દુષ્કર્મ આચાર્યુ હતુ. બાદમાં પોતાનાથી થયેલા જનધન્ય કૃત્યની કોઈને જાણ ન થાય તે માટે માસુમની ઠંડા કલેજે નિર્મમ હત્યા કરી નાખી હતી. બાદમાં માસુમના મૃતદેહને કોથળામાં નાંખી ગામના સીમાડે આવેલા 66 કે.વી.ની સામે પાળાની પાછળ આવાવરૂ જગ્યામાં ફેંકી આવીને ઘરે સુઈ ગયો હતો.માસુમની માતા ઘરે આવી ત્યારે દીકરી જોવા ન મળતા આડોશ પાડોશ માં તપાસ કરતા જાણવા મળ્યું કે, પાડોશીએ સેવ લેવા મોકલી છે, ત્યાંથી હજુ સુધી આવી ન હોવાથી શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયા માસુમની લાશ ગામના સીમાડે અવાવરૂ જગ્યાએથી મળી આવી હતી.બાદમાં માસુમના મૃતદેહને પીએમ માટે પેનલ પીએમ કરાવવા જામનગર મોકલવા તજવીજ હાથ ધરી હતી. જોકે, સાંજે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસમાં જોડાયેલા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતુ. બાદમાં મોડી સાંજે ઘટનાને લઈ મળેલી મહત્વપુર્ણ માહિતીના આધારે જઘન્ય કૃત્ય આચરનાર આરોપી શામજીને તેના ઘરમાંથી જ દબોચી લેવામાં આવ્યો હતો

