ખંભાળિયા તાલુકાના સલાયા ગામના એક વાણવટીનું કિંમતી વહાણ ગત મધ્યરાત્રીના સમયે એકાએક આગમાં લપેટાઈ ગયું હતું. જેના કારણે આ વહાણ માલસામાન સાથે બળીને ખાખ થઈ ગયો હતો
કોની હતી બોટ: ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા સલીમભાઈ ઈસ્માઇલ ભાયાની માલિકીનું અને તાજેતરમાં જ નવું નકોર બનાવીને દરિયામાં મુકવામાં આવેલું 1200 ટનની કેપેસિટી ધરાવતું બી.ડી.આઈ. 1496 રજીસ્ટ્રેશન નંબર ધરાવતું “અલ ખજર” વહાણ ગત તારીખ છઠ્ઠી મે ના રોજ સલાયાથી દુબઈ ગયું હતું. સલાયાથી માલસામાન ભર્યા વગર નીકળેલું આ વહાણ ગત તારીખ 31 મેના રોજ દુબઈથી જનરલ કાર્ગો સપ્લાય સાથે યમન જવા માટે નીકળ્યું હતું. આ વહાણ યમન પહોંચે તે પહેલા ગત રાત્રીના આશરે દોઢેક વાગ્યે ઓમાન નજીક મસ્કત પોર્ટથી થોડે આગળ કોઈ કારણોસર આગમાં લપેટાઈ ગયું

બેઠેલા બચી ગયા: વહાણમાં સવાર ખલાસીઓ તેમની સાથે જઈ રહેલા અન્ય એક “મહેબુબ મોયુદ્દીન” નામના વહાણ મારફતે સલામત રીતે નીકળી જવામાં સફળ થયા હતા. આ તમામ ખલાસીઓને આ બોટ મારફતે મસ્કત લઈ જવા માટે રવાના કરવામાં આવ્યા હતા.સલાયાની બોટ મહેબૂબ મોયુદ્દીન તથા અન્ય કેટલાક માલવાહક જહાજ દુબઈથી યમન જવા માટે સાથે નીકળ્યા હતા. આમ, સલાયાની મહેબૂબ મયુદ્દીન વીસ ખલાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહી હતી.

