જોધપુરમાં ઇદની નમાઝ બાદ એક મસ્જીદના સ્થળે ધાર્મિક ઝંડાના મુદે સર્જાયેલા વિવાદમાં હવે પરિસ્થિતિ સતત વણસી રહી છે. મંગળવારે સવારે પણ બે સમુદાય વચ્ચે ઘાતક હથિયારો વચ્ચે અથડામણ ચાલુ રહેતા જોધપુરના અનેક વિસ્તારોમાં આવતીકાલ રાત સુધીનો કર્ફયુ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત જોધપુર દોડી ગયા છે તથા કેન્દ્રીયમંત્રાલય દ્વારા પણ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

ગઇકાલે ઈદના દિવસે જોધપુરમાં ધાર્મિક ઝંડા અને લાઉડ સ્પીકર મુદે બે સમુદાય વચ્ચે અથડામણ થઇ હતી. અહીંના બાલમુકુંદ બિસ્વા સર્કલ પર એક હિંદુ સંગઠને ભગવો ઝંડો લહેરાવ્યો હતો અને ત્યારબાદ વિવાદ સર્જાયો હતો. મુસ્લીમ સમુદાયે આ ઝંડાનો વિરોધ કરીને પોતાનો ઝંડો લગાવતા બે સમુદાય બાખડી પડ્યા હતા અને પોલીસે રાતભર તેમને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા તથા લાઠીચાર્જ સહિતના એકશન લીધા હતા.

મામલો શાંત થયા બાદ જોધપુરમાં ફરી એક વખત તનાવ વધતા જ સ્થાનિક સત્તાવાળાઓએ ઉદયનગર, સદર કોટવાલી, સદર બજાર, પ્રતાપનગર સહિત જોધપુરના લગભગ એક ડઝન જેટલા વિસ્તારોમાં કર્ફયુનો અમલ લાદી દીધો છે અને આવતીકાલ રાત સુધી આ કર્ફયુ અમલમાં રહેશે.

સ્થાનિક તંત્રે જાહેર કર્યું છે કે, જરુર પડયે વધુ વિસ્તારોમાં કર્ફયુ લાદવામાં આવશે. અનેક સ્થળોએ બંને જૂથના લોકો હાથમાં તલવાર અને અન્ય ધારદાર શસ્ત્રો સાથે નજરે ચડ્યા હતા. અને પોલીસએ પરિસ્થિતિ અંકુશમાં હોાવનું જણાવ્યું છે પરંતુ સરકાર દ્વારા કર્ફયુ લાદીને હાલ પરિસ્થિતિને કાબુમાં રાખવાનો પ્રયત્ન કર્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બીજી તરફ દિલ્હીમાં પણ કેન્દ્રીય મંત્રાલયે સમગ્ર ઘટનામાં રાજ્ય સરકાર પાસેરિપોર્ટ માંગ્યો છે અને જરુર પડે એક કેન્દ્રીય ટીમ પણ જોધપુર મોકલવામાં આવશે.

