કોલસાની કટોકટી એ એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે કે ટ્રેન ની કામગીરી ઉપર પણ તેની માઠી અસર પડી રહી છે. કોલસા સંકટની સ્થિતિ એ છે કે અછતને કારણે રેલવેએ 735 ટ્રેન રદ કરી છે. રેલવેએ આદેશ જાહેર કરીને કહ્યું છે કે દેશમાં કોલસાની સપ્લાય કરવા માટે પેસેન્જર ટ્રેન રદ્દ કરવામાં આવી રહી છે. એટલે કોલસાની કમીથી પેસેન્જર ટ્રેનના પૈડાં થંભાવ્યા છે.
આ ટ્રેનોમાં મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે. આ સેક્ટર માટે 16.20 લાખ ટન કોલસો લોડ કરવામાં આવ્યો છે. કાળઝાળ ગરમી અને કોલસાની અછતના કારણે દેશના 13 રાજ્ય હાલમાં વીજ સંકટનો સામનો કરી રહ્યાં છે. જેમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાંથી વીજ સંકટના અહેવાલો સામે આવી રહ્યાં છે. ભારતમાં ગયા અઠવાડિયે જ 623 મિલિયન યુનિટ પાવરની અછત સર્જાઈ છે. દક્ષિણ-પૂર્વ મધ્ય રેલવેની મધ્યમ એક્સપ્રેસ ટ્રેનના 343 રાઉન્ડ અને પેસેન્જર ટ્રેનોના 370 રાઉન્ડ રદ કરવામાં આવશે, જ્યારે મધ્યમ એક્સપ્રેસના 20 રાઉન્ડ અને ઉત્તર રેલવેની 20 પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવશે.
ગરમીના કારણે દેશના લગભગ દરેક રાજ્યોમાં વીજળીની માંગ વધી છે. બીજી તરફ કોલસાની અછતના કારણે પાવર પ્લાન્ટમાં વીજ ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે. વીજળીની અછતને કારણે દેશના ઘણા રાજ્યોમાં લોકો વીજ કાપનો સામનો કરી રહ્યા છે. શુક્રવારે રાહુલ ગાંધીએ પાવર કટની સમસ્યા પર ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે, સરકારે બુલડોઝર બંધ કરવું જોઈએ અને પાવર પ્લાન્ટ ચલાવવા પર ધ્યાન આપવું જોઈએ.

