વિધાનસભાની ચૂંટણી પહેલા દરેક પક્ષમાં પ્રવેશોત્સવ ચાલું હોય એવો માહોલ છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું હતું. સામે કોંગ્રેસ મજબુતીમાં આવ્યો હતો. હવે એંધાણ એવા દેખાઈ રહ્યા છે કે, કોંગ્રેસમાંથી એક નેતા ભાજપમાં આવવાની તૈયારીમાં છે. જેના કારણે કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે. કોંગ્રેસના મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાંધીનગરમાં આવેલા રાજભવનમાં ખાસ મુલાકાત કરી હતી.
પણ જ્યારે શ્વેતાને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તો તેમણે આ વાત નકારી કાઢી છે. જોકે, એમના આ પગલાંને કારણે કોંગ્રેસમાં નારાજગી છે. વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ હવે તેઓ ભાજપમાં જોડાઈ જાય એવી શક્યતાઓ પ્રબળ બની છે. કોંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું કે, ઘણા વર્ષો બાદ વડાપ્રધાન મોદીને મળવાનું થયું છે. રાત્રે આઠ વાગ્યે એમને હું મળી હતી. પણ તેઓ ખૂબ ફ્રેશ અને એનર્જેકિટ દેખાતા હતા. રાજકારણને બાજુએ મૂકી વ્યક્તિ તરીકે જુઓ તો તેઓ ખૂબ પ્રેરણા આપતા વ્યક્તિ રહ્યા છે.

ચૂંટણ નજીક આવતા ત્રણય પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સારા વ્યક્તિ અને સમાજ પર પ્રભાવશાળી ચહેરાઓને જોડવાનું કામ કરે છે. ત્રણેય પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસને એક પછી એક ફટકા લાગી રહ્યા છે ત્યારે જો શ્વેતા ભાજપમાં જોડાશે તો કોંગ્રેસમાં ફરી મોટું ગાબડું પડશે. અઠવાડિયા પહેલા જ પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારૂએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. જો શ્વેતા ભાજપમાં ગયા તો કોંગ્રેસને ફરી ફટકો લાગશે. જોવાનું એ રહે છે કે, કોંગ્રેસ પોતાના સારા અને પ્રભાવશાળી નેતાને જાળવી રાખવા માટે કેવા પગલાં ભરે છે. બીજી બાજું ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીની મુલાકાતને રાજકીય રીતે અપેક્ષિત મનાય રહી છે.
ગુજરાતના રાજકારણનો તાગ મેળવવા અને ચૂંટણીલક્ષી ટિપ્સ આપવા માટે આવ્યા હોય એવી રાજકીય લોબીમાં ચર્ચા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની બેઠકો પર પ્રભુત્વ જળવાઈ રહે એ દ્રષ્ટિકોણથી તેમણે પક્ષના કેટલાક નેતાઓને ટિપ્સ આપી હોવાનું ચર્ચામાં છે. જોકે, આ મુલાકાતને લઈને કોઈ રાજકીય મુદ્દાઓ સામે આવ્યા નથી. ત્રણ દિવસની વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ રાજકીય ચહલપહલ વધે એવી ચોક્કસથી અનુમાન લગાવી શકાય છે. કારણ કે વિકાસના કામને વેગ આપવા આવેલા વડાપ્રધાન મોદીએ ફરી ડીનર ડિપ્લોમસીની પોલીસી હેઠળ પક્ષના કેટલાક લોકોના સંપર્કમાં રહ્યા હતા.

