રાજ્યમાં મોંઘવારીએ માઝા મુકી છે. તો બીજી તરફ સરકાર દ્વારા લક્ઝરી બસ ઉપર ટેક્સનું ભારણ વધારતા ટુર ઓપરેટરો મુશ્કેલીમાં મુકાયા છે. રાજ્યમાં બસ પર લેવાતા ભારે ટેક્સથી બચવા અને નેશનલ પરમિટ મેળવવા માટે 800 જેટલી ખાનગી બસોએ બીજા રાજ્યો જેવા કે અરૂણાચલ પ્રદેશ, દીવ-દમણ, ગોવામાં રજીસ્ટ્રેશન થયું છે.

રાજ્યના ટ્રાવેલ્સ યુનિયન દ્વારા સરકારને ટેક્સ ઘટાડવા રજૂઆત કરાઈ છે. અમદાવાદ સ્થિત અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક મહામંડળના સેક્રેટરી રાજેન્દ્ર ઠાકરે જણાવ્યું હતું કે, લક્ઝરી બસની સીટ મુજબ પ્રત્યેક સીટનો એક મહિનાનો ટેક્સ આરટીઓમાં ભરવાનો હોય છે. ભારતનાં તમામ રાજ્યોમાં ટેક્સનું માળખું અલગ છે. અગાઉ નેશનલ પરમિટની મંજૂરી નહોતી ત્યારે અન્ય રાજ્યમાં જતી બસોએ જે તે રાજ્યમાં પરમિટ કઢાવી ત્યાંનો ટેક્સ ભરવો પડતો હતો. જોકે હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા નેશનલ પરમિટને મંજૂરી આપવા સાથે નવો નિયમ બનાવ્યો છે.

નવા નિયમ મુજબ એસી બસ માટે 3 લાખ અને નોન એસી બસ માટે 2 લાખ વાર્ષિક ટેક્સ ભર્યા પછી દેશમાં ગમે ત્યાં બસ ચલાવી શકાય છે. આ સાથે રાજ્ય સરકારનો ટેક્સ ભરવો પડે છે. ગુજરાતમાં 30 સીટથી ઉપરની બસમાં મહિને 39,500 જેટલો ટેક્સ થાય છે, જ્યારે અરુણાચલ પ્રદેશમાં આ ટેક્સ મહિને 2 હજાર જેટલો છે, દમણમાં મહિને રૂપિયા 1500 જેટલો ટેક્સ થાય છે. જેને પગલે સંચાલકો દ્વારા બસોનું રજિસ્ટ્રેશન અન્ય રાજ્યોમાં કરાવાઈ રહ્યું છે. આરટીઓના જાણકારો મુજબ ગુજરાતમાં હાલ 2 હજાર જેટલી લક્ઝરી બસ રજિસ્ટર થયેલી છે. 400 જેટલી બસ નવી ઉમેરાતી હોય છે અને જૂની સ્ક્રેપમાં જતી હોય છે. જે મુજબ ગણતરી કરતાં નવી બસો અન્ય રાજ્યમાં જાય તો સરકારને મહિને 1.40 કરોડ જેટલી ટેક્સની આવક ઓછી થવાનો અંદાજ છે.

