રાજ્યમાં થોડા દિવસ પહેલા ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. હવે છાત્રોના પેપરોનું મૂલ્યાંકન કરાઈ રહી છે. ત્યારે 18મી એપ્રિલે યોજાનારી ગુજકેટની પરીક્ષા હોય બોર્ડના પેપરોની મૂલ્યાંકન કામગીરીને અસર પડશે.

ગુજકેટની પરીક્ષા બાદ 24 એપ્રિલે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હોવાથી જે સ્કૂલના બિલ્ડિંગમાં પરીક્ષા માટેના કેન્દ્ર હશે અને મૂલ્યાંકન કામગીરી ચાલી રહી હશે, તો મધ્યસ્થ મૂલ્યાંકન કામગીરી કરનારને એક દિવસની રજા રાખવાની રહેશે. જે કેન્દ્રમાં પરીક્ષા સિવાય અન્ય બિલ્ડિંગ ઉપલબ્ધ હોય તે ગુજકેટની પરીક્ષાને દિવસે મૂલ્યાંકન પ્રકિયા ચાલુ રાખી શકશે.

ગુજરાતના 370થી વધુ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષાની લાખો ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી શરૂ થઈ છે. પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મૂલ્યાંકન કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપ્યા બાદ સરકારની સમજાવટથી તમામ સંઘોએ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.

