રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેસના સિલિન્ડર્સ ફાટ્યા હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના વોરાવાડ આંબલીશેરી પાસે બાટલા ફાટ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યાં ગેરકાયદેસર બાટલાનું રી ફિલિંગ કામ ચાલું હતું. બાટલા ફાટવાથી વિસ્ફોટ એટલો પ્રચંડ થયો હતો કે, બે માળનું એક મકાન ધરાશાઈ શઈ ગયું હતું. એટલું જ નહીં મકાનના પતરા પણ 100 ફૂટ દૂર સુધી ઉડ્યા હતા. વહેલી સવારે બાટલાને રિફિલિંગ કરવાનું કામ ચાલતું હતું. એ સમયે આ બ્લાસ્ટ થયો હતો.

બાટલા ફટતા બે વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. જેની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં નાસભાગનો માહોલ જોવા મળ્યો. જ્યારે લોકો ભયભીત થઈ ગયા હતા. સવારે સાત વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. અફઝલભાઈએ ફિરોઝભાઈ નામના વ્યક્તિને મકાન ભાડે આપ્યું હતું. આ મકાનમાં ફિરોઝભાઈ ગેરકાયેસર ગેસ રિફિલિંગ કરવાનું કામ કરતા હતા. જેથી બ્લાસ્ટ થતા બે માળનું મકાન ધરાશાયી થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ જેતપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મામલે વધુ તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, જ્યારે વહેલી સવારે લોકો સૂતા હતા ત્યારે આ ધડાકો થયો હતો. બહાર આવીને જોયું તો ગેસના બાટલા ફાટ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મકાનમાલિકે કહ્યું હતું કે, વહેલી સવારે બ્લાસ્ટ થતા હું ઊંઘમાંથી જાગી ગયો હતો. બહાર આવીને જોયું તો બે માળનું મકાન જમીનદોસ્ત થયું હતું. ગેસના બાટલા ફાટતા બે વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે.

જેતપુરના જૂના વિસ્તારમાં આ જૂનવાણી મકાન હતું. ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા આસપાસના મકાનમાં પણ તિરાડ પડી ગઈ છે. મકાનના ત્રીજામાળની છત પર પતરા ઊડીને પડ્યા હતા. મારા દાદાએ ફિરોઝભાઈને મકાન ભાડે આપ્યું હતું. 15થી 20 વર્ષથી અહીં ગેરકાયદેસર રીતે બાટલા રિફિલિંગ કરવાનું કામ ચાલું હતું. આ મામલે મેં પણ અવારનવાર એમને ઠપકો દીધો હતો પણ તે માનતા ન હતા. ગેસના બાટલા ફાટ્યા બાદ 30થી 35 સિલિન્ડર સગેવગે કરી દેવામાં આવ્યા છે. મકાનના કાળમાળની નીચે કેટલાક સિલિન્ડર દટાયેલા છે. એવું હું માનું છું. આ બ્લાસ્ટથી આસપાસના મકાન અને બારીને મોટું નુકસાન થયું છે.

