જેલમાં બંધ આસારામના ગોંડા સ્થિત આશ્રમમાં એક કારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. તે બાળકીની ઉંમર આશરે 13-14 વર્ષ હોવાનું સામે આવ્યું છે. અલ્ટો કારમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર ક્ષેત્રમાં સનસનાટી મચી ગઈ છે અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. વિમૌર ખાતે આવેલા આસારામ આશ્રમમાં આ ઘટના બની છે. તે બાળકી ગત 5મી એપ્રિલથી લાપતા હતી અને હવે 4 દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ કારમાંથી દુર્ગંધ આવતી હોવાથી પોલીસને તે અંગે સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ તાત્કાલિક જ ત્યાં પહોંચી ગઈ હતી અને મૃતદેહનું પંચનામુ કરીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે જણાવ્યું કે, કારમાંથી દુર્ગંધ આવી રહી હોવાથી આશ્રમના ચોકીદારે તે કાર ખોલીને જોઈ તો તેમાં મૃતદેહ હતો માટે પોલીસને જાણ કરી હતી. કારમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસ અને ફોરેન્સિક ટીમે આશ્રમ અને કારની તપાસ હાથ ધરી છે. આસારામના આશ્રમમાંથી મૃતદેહ મળી આવ્યો હોય તેવી આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. વર્ષ 2008માં ગુજરાતના આસારામ આશ્રમ ‘ગુરૂકુળ’માંથી 2 વિદ્યાર્થીઓ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા. ત્યાર બાદ 5 જુલાઈના રોજ સાબરમતી નદીના તટ પરથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા.

છિંદવાડા આશ્રમમાંથી મળ્યો હતો મૃતદેહ
ગુજરાત બાદ મધ્ય પ્રદેશના છિંદવાડા સ્થિત ગુરૂકુળ આશ્રમમાંથી એક બાળકના મૃત્યુની ઘટના સામે આવી હતી. તે ઘટના પણ વર્ષ 2008માં જ બની હતી. આશ્રમના શૌચાલયમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે તે બાળકના મૃત્યુનું કારણ તે બાથરૂમમાં પડી ગયો હતો તેમ જણાવવામાં આવ્યું હતું.
બાપ-દીકરા પર દુષ્કર્મનો આરોપ
સુરતની 2 બહેનોએ આસારામ અને તેના દીકરા નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. તેમાં મોટી બહેને આસારામ પર જ્યારે નાની બહેને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. પોલીસે તે મામલે આસારામ વિરૂદ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. કોર્ટે આસારામને વર્ષ 2013માં પોતાના આશ્રમની એક યુવતી સાથે બળાત્કાર મામલે દોષી ઠેરવ્યો હતો. તે યુવતી સગીર હતી. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે, તેને જોધપુર પાસેના મણાઈ વિસ્તારમાં આશ્રમમાં બોલાવીને તેના સાથે 15 ઓગષ્ટ 2013ની રાતે બળાત્કાર કરવામાં આવ્યો હતો. આસારામ વર્ષ 2013થી જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ છે. વર્ષ 2018માં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આસારામે અનેક વખત જામીન માટે અરજી કરી છે પરંતુ દર વખતે તેના પ્રયત્નો નિષ્ફળ ગયા છે.

આસારામના દીકરા પર સકંજો
આસારામના દીકરા નારાયણ સાંઈની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. નારાયણ સાંઈ હાલ સુરતની લાજપુર જેલમાં બંધ છે. તેણે જેલમાંથી બહાર નીકળવા માટે કોર્ટ સમક્ષ ખોટા દસ્તાવેજો પ્રસ્તુત કર્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેની માતા બીમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર માટે જામીનની જરૂર છે. હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો કે, તેઓ જામીનના દસ્તાવેજોની તપાસ કરે. પોલીસ તપાસમાં નારાયણ સાંઈએ ખોટા દસ્તાવેજના આધાર પર જામીન મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ હાઈકોર્ટના આદેશ પર અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નારાયણ સાંઈ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

