PM નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ગામના છેવાડાના માણસ સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચવા જોઇએ. પણ આ વાત વડોદરામાં લાગુ ન પડતી હોય એવું ચિત્ર સામે આવ્યું છે. જ્યાં વડોદરા જિલ્લાની અનેક હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હોસ્પિટલ સંચાલકો ચલાવતા નથી. આવી ચોંકવનારી વિગત ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાના ધ્યાને આવતા એ પણ ચોંકી ગયા હતા. તેમણે વડોદરા જિલ્લાની તમામ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સ્વીકારવા એવી તાકીદ જિલ્લા આરોગ્ય વિભાગને કરી છે.
જરૂર પડે ધરાસભ્ય દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે. જ્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ દર્દીઓની વ્યથા સાંભળી ત્યારે તેઓ પણ ચોંકી ગયા હતા. ભાજપનો સ્થાપના દિવસ હોવાથી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ડભોઇની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં દર્દીઓએ પોતાની પીડા ઠાલવતા કહ્યું કે, હોસ્પિટલના સંચાલકો આયુષ્માન કાર્ડ ચલાવતા નથી. આ રજૂઆત સાંભળીને ધારાસભ્ય પણ આશ્ચર્ય પામ્યા. આ મામલે હોસ્પિટલના સત્તાવાળાઓને આયુષ્માન કાર્ડ ચલાવવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગને પણ ટકોર કરી છે. જિલ્લા આરોગ્ય અધિકારીને આ મામલે તપાસ કરવા સૂચના આપી દીધી છે. ડભોઈ તાલુકાની તમામ હોસ્પિટલોમાં આકસ્મિક ચેકિંગ હાથ શરૂ કરીને આ અંગે તપાસ કરવા કહ્યું છે. પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં આઠ વર્ષના બાળકને ઑપરેશનની જરૂરિયાત હોવાથી આયુષ્માન કાર્ડની વાત કરાઈ હતી. પણ કાર્ડ લેવાનો ઈન્કાર કરતા બાળકના પિતા ચોધાર આસુંએ રડ્યા હતા. પછી રડતાં મોઢે ધારાસભ્યને રજૂઆત કરી હતી.
ધારાસભ્યએ રજૂઆત કરનાર બાળકના પિતાને આશ્વાસન આપતાં પિતાએ રાહત અનુભવી હતી. આ વિષય પર ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું હતું કે, ડભોઇ તાલુકામાં અનેક લોકોના હજી સુધી આયુષ્યમાન કાર્ડ ટેક્નિકલ ખામીના લીધે નીકળ્યા નથી. આ મામલે આરોગ્ય વિભાગને જાણ કરી દેવામાં આવી છે. આવનારા દિવસોમાં ડભોઈ તાલુકામાં આયુષ્માન કાર્ડ હોસ્પિટલ સંચાલકો નહીં સ્વીકારે તો સરકારમાં કાયદેસરની રજૂઆત કરીશ. જે પછી સરકાર તરફથી કાર્યવાહી કરવામાં આવશે. ભાજપનું લક્ષ્ય છે કે, છેવાડાના માણસ સુધી સરકારી યોજનાનો લાભ મળી રહે.

