ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ટ્રેન્ડ દિવસે દિવસે વધી રહ્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ હવે ઇલેક્ટ્રિક બસનો વધી રહ્યો છે. તો હવે ટ્રક કેમ બાકી રહી જાય. આ બધા વચ્ચે હવે ભારતમાં ઇલેક્ટ્રિક ટ્રકનું ઉત્પાદન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. અમેરિકામાં વસતા મૂળ ગુજરાતના હિમાંશુ પટેલની કંપની ‘ટ્રાઇટન’ દેશની પહેલી ઇ-ટ્રક ગુજરાત રાજ્યમાં તૈયાર કરશે. આ માટે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી.
આ માટે કંપનીએ ગુજરાત સરકાર સાથે કરાર પણ કર્યા છે. ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ એલ.એલ.સી અને ગુજરાત સરકાર વચ્ચે આ પ્લાન્ટ ની સ્થાપના માટેના એમ.ઓ.યુ. થયા છે. રૂ. 10800 કરોડના કુલ રોકાણ સાથે સ્થપાનારા આ પ્લાન્ટમાં ચાલુ નાણાંકીય વર્ષ 2022-23માં 1200 કરોડના રોકાણ સાથે ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ આ પ્લાન્ટ શરૂ કરશે. 10 હજાર જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનો અવસર પૂરો પાડનારા આ પ્લાન્ટની સ્થાપના માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં એમ.ઓ.યુ સંપન્ન કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ તથા ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ તરફથી ફાઉન્ડર અને સી.ઇ.ઓ. હિમાંશુ પટેલે આ એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કરી એમ.ઓ.યુ પરસ્પર આદાન-પ્રદાન કર્યા હતા.

ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ પોતાના આ ૬૪પ એકર વિસ્તારમાં પથરાયેલા પ્લાન્ટમાં વાર્ષિક પ૦ હજાર ટ્રકની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ શરૂ કરશે. એટલું જ નહિ, ચેસિસ અને કેબિન, રોબોટિક પેઇન્ટ શોપ, ચેસિસ સબ એસેમ્બલી અને ક્વોલિટી એસ્યોરન્સ તથા મટિરિયલ ટેસ્ટીંગ લેબ જેવી ઇન હાઉસ ફેસેલીટીઝ પણ તેઓ ઊભી કરવાના છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલ એ યુ.એસ.એ બેઇઝડ કંપની છે. લિથીયમ બેટરી સેલ અને ઇલેકટ્રીક વ્હીકલ કંટ્રોલર્સના ઉત્પાદનમાં વિશેષ તજ્જ્ઞતા ધરાવે છે. ટ્રિટોન દ્વારા વર્લ્ડકલાસ સેફટી અને ફંકશનાલિટીઝ સાથે શ્રેષ્ઠ લોંગ રેંજ ઇલેકટ્રીક વ્હીકલ વિકસાવવામાં આવી રહ્યા છે. યુ.એસ.એ માં ટ્રિટોન દ્વારા ઇલેકટ્રીક સેમી ટ્રક, એસ.યુ.વી, ઇલેકટ્રીક સેડાન, ડિફેન્સ ઇલેકટ્રીક વ્હીકલ અને ઇલેકટ્રીક રિક્ષાનું ઉત્પાદન કરવામાં આવે છે.
તેઓ ગુજરાતના ભૂજમાં પોતાનો પ્લાન્ટ સ્થાપવા જઇ રહ્યા છે તે અંગેના એમ.ઓ.યુ તેમણે ગુજરાત સરકાર સાથે કર્યા છે. રાજ્ય સરકાર આ પ્લાન્ટની સ્થાપના માટેની જરૂરી પરવાનગીઓ, મંજૂરીઓ અને નોંધણી પ્રક્રિયાઓમાં પ્રવર્તમાન નીતિ-નિયમો અનુસાર સહાયક બનશે. આ એમ.ઓ.યુ સાઇનીંગ વેળાએ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા તેમજ ટ્રિટોન ઇલેકટ્રીક વ્હીકલના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે આ ટ્રક માટે વપરાતા તમામ કમ્પોનન્ટ્સ સંપૂર્ણ રીતે ભારતમાં અને ભારતીય કંપનીઓમાં બનાવવામાં આવશે. અમારી સંભવિત મેન્યુફેક્ચરિંગ સાઈટ પાસે જ આ કંપનીઓના યુનિટ તૈયાર થશે. આ રીતે અમે અમારી ટ્રક માટે કમ્પ્લિટ ઇકોસિસ્ટમ ઊભી કરીશું. ગુજરાત સરકારની જેમ જ આજે બેટરી, સર્કિટ, સેમી કંડકટર, પાર્ટ્સ સહિતના કમ્પોનન્ટ બનાવતી 9 જેટલી કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે. જે ગુજરાતમાં કામ કરશે. આ બધાના પ્લાન્ટ પણ અમારા પાર્ક સાથે જ હશે.
હાઈલાઈટ્સ
ઇ-ટ્રક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં અમે અંદાજે રૂ. 2500-3000 કરોડનું રોકાણ
જોડાનારી અન્ય કંપનીઓ રૂ. 8000-9000 કરોડનું રોકાણ
2,000થી વધુ અને અમારી સાથે જોડાણ કરનારી અન્ય કંપનીઓમાં અંદાજે 3,000 લોકોને રોજગારી
દિવાળી સુધીમાં ભારતનો પહેલી ઇલેક્ટ્રિક ટ્રક લોન્ચ થઈ જશે
દેશમાં જ રૂ. 25,000-30,000 કરોડનો બિઝનેસ મળવાની અપેક્ષા
ડ્રાઈવરને નજીકના ચાર્જિંગ સ્ટેશનની માહિતી મળી રહેશે જ્યારે બેટરી ઓછી થશે.

