ટ્રાફિક પોલીસ સામાન્ય પ્રજા પર ટ્રાફિક રૂલ્સના ભંગ બદલ તવાઈ બોલાવતી હોય છે. પણ પોલીસ જ્યારે નિયમનો ભંગ કરે ત્યારે? આવા એક કે બે નહીં કુલ 128 કેસ નોંધાયા છે. પોલીસની કાર અને બાઈકસમાં જ ચોક્કસ ધાર્મિક શબ્દો, અંગ્રેજીના મૂળાક્ષરો, બોર્ડ, અમુક રંગના સ્ટીકર અને ફેશનેબલ નંબર પ્લેટ જોવા મળી છે. સૌથી વધારે તો હેલ્મેટ ન પહેરી, બ્લેક ફિલમ લગાડવાના કેસમાં પોલીસ કર્મચારીઓનું નામ નોંધાયેલું છે. છેલ્લા ઘણા સમયથી પોલીસ અલગ અલગ ડ્રાઈવ ચલાવી રહી છે.
જેમાં ટ્રાફિકના નિયમ માત્ર પ્રજાને જ નહીં પણ પોલીસને પણ લાગુ પડે છે. એવો અહેસાસ કરાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં શિસ્તતાના ભંગ સામે પણ પોલીસની સામે એમના જ ખાતામાં એનું નામ ચોપડે ચડેલું છે. લાયસન્સ વગર વાહન ચલાવનાર 1 પોલીસકર્મી, હેલ્મેટ ન પહેરી વાહન ચલાવનાર 95 પોલીસકર્મીઓ, HSRP નંબરપ્લેટ વગર વાહન ચલાવનાર 1 પોલીસકર્મી, ડાર્ક ફિલમ સાથે કાર ચલાવનાર 9 કર્મી, પોલીસનું બોર્ડ મારી વાહન ચલાવનાર 18, નંબર પ્લેટ વગર વાહન ચલાવનાર 1 પોલીસ કર્મી અને સીટ બેલ્ટ વગર કાર ચલાવનાર 3 પોલીસકર્મીઓ સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. આમ કુલ 128 કેસ કરી રૂ.57,300 ના દંડની વસુલાત લોકોને નિયમો પળાવનાર પોલીસ પાસેથી જ વસુલાયા હોવાનું સામે આવ્યું છે. આ આંકડા પરથી એવું કહી શકાય કે, પોલીસ માત્ર નિયમ પ્રજાને શીખવાડવામાં જ રસ દાખવે છે. જ્યારે નિયમપાલનની વાત આવે ત્યારે એ પણ સામાન્ય પ્રજાની જેમ શિકાર થાય છે. એટલે જે નિયમ બનાવે છે એને એ નિયમ લાગું ન પડતો એવી વર્તણૂંક કરે છે.

અમદાવાદ જેવા શહેરમાં પોલીસે કરેલા નિયમ ભંગ સામેના કેસમાં આંકડા પરથી કામગીરી નબળી હોવાનું પુરવાર થાય છે. કારણ કે મોટાભાગના પોલીસ કર્મચારીના બાઈક્સ કે ફોર વ્હીલમાં ચોક્કસ રંગના પટ્ટા, નામ, અંગ્રેજી મૂળાક્ષર અને ફેશનેબલ નંબરપ્લેટ હજુ જોવા મળે છે. આ આંકડા માત્ર ડ્રાઈવની કામગીરી પોલીસ કર્મચારીઓ સામે પણ થઈ છે એવું દેખાડવા માટે થઈ હોય એવું લાગી રહ્યું છે. જ્યાં પોલીસ પોતે જ નિયમોનું પાલન કરતી નથી ત્યાં પ્રજાને શું નિયમપાલન શીખવાડશે એ સવાલ લોકોમાં ચર્ચાય રહ્યો છે.

