છેલ્લા કેટલાક દિવસોથી દેશના જુદા જુદા રાજ્યમાંથી ઈ સ્કૂટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. છેલ્લા પાંચ દિવસમાં ચાર એવી ઘટના બની છે જેને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ઓલા, ઓકિનાવા અને પ્યોર કંપનીઓનાં ઈ સ્કૂટરમાં આગ ભભુકી છે. જેની સામે હવે ઈ વ્હીકલ્સની સુરક્ષા સામે સવાલ ઊઠ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે ઈ સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાને લઈને તપાસ આદેશ આપ્યા છે. કોઈ કંપનીઓએ આગ લાગવા પાછળનું કોઈ કારણ સ્પષ્ટ કર્યું નથી.
ક્યારે બની પહેલી ઘટના?
ઈ સ્કૂટરમાં આગ લાગવાની સૌથી પહેલી ઘટના તા.25 માર્ચે તમિલનાડુંના વેલ્લોર જિલ્લામાં બની હતી. જેમાં ઓકિનાવા કંપનીના સ્કૂટરને રાત્રે ચાર્જમાં મૂક્યા બાદ અચાનક એમાં આગ લાગી હતી. જેમાં વર્ષની એક વ્યક્તિ તથા 13 વર્ષની દીકરીનું ગૂંગળાઈ જવાથી મોત થયું. પોલીસે તપાસ કરી પ્રાથમિક તારણ એવું આપ્યું કે, શોક સર્કિટ થયું છે. બીજી ઘટના તા.26 માર્ચે મહારાષ્ટ્રના પૂણેમાં બની જ્યાં ઓલાના S1 પ્રો ઈલેક્ટ્રિક સ્કૂટર અચાનક આગ ભભુકી ઊઠી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયો હતો. આવા સ્કૂટરમાં આગ લાગવા પાછળનું કારણ સામે આવ્યું નથી. પણ એક રીપોર્ટ અનુસાર સૌથી મોટું અને મુખ્ય કારણ એની બેટરીઓ છે. આગ લાગ્યા બાદ એની બેટરીમાંથી ધુમાડાં નીકળે છે. તેથી બેટરી કારણભૂત વધારે હોવાની શક્યતાઓ વધારે છે. આવી બેટરીઓમાં લિથિયમ-આયન (li-ion) બેટરીનો ઉપયોગ થાય છે. જે આજકાલ સ્માર્ટફોનથી લઈને લેપટોપ સુધી અને ઈ કારથી લઈને સ્માર્ટવૉચમાં ઉપયોગમાં લેવામાં આવે છે. લિથિયમ-આયન બેટરીઓને અન્ય બેટરીઓની તુલનામાં વધારે સારી બનાવે છે. લિથિયમ-આયન બેટરીઓ લેડ એસિડ બેટરીઓની તુલનામાં વધુ લાંબા સમય સુધી ચાલતી હોવાને કારણે કંપનીએ પહેલી પસંદગી એના પર ઊતારે છે.

એક્સપર્ટનો મત
ઓટો ઈન્ડસ્ટ્રીના જાણકારો એવું કહે છે કે ઈ-સ્કૂટરોમાં આગ લાગવાનાં ઘણા કારણો હોઈ શકે. ઉત્પાદનમાં ખામી, ડેમેજ કે બેટરી ખામીયુક્ત હોવાના પાસા વધારે અસર કરે છે. આ બેટરીઓને મોટી સંખ્યામાં ચીનથી આયાત ઈલેક્ટ્રિક વાહનોના નિર્માતા કરે છે. જ્યાંથી ખરાબ BMS ક્વોલિટીવાળી બેટરીઓ આવી જાય અને ફીટ થઈ જાય તો આગનું જોખમ વધી જાય છે. દુનિયામાં લિથિયમ-આયર્ન બેટરીઓનું સૌથી મોટું મેન્યુફેક્ચરર ચીન 2021માં હતું. આ દરમિયાન દુનિયાની 79% લિથિયમ-આયર્ન બેટરીઓ ચીનમાં બનાવાઈ. જે સ્ટોક આ કંપની સુધી પહોંચ્યો હોય એવું બને. થર્મલ રનઅ-વે પ્રક્રિયા બેટરીમાં ગરમી પેદા થાય છે. જ્યારે બેટરીની અંદર પેદા થયેલું તાપમાન એની આસપાસના ટેમ્પરેચરથી વધુ હોય છે. જેથી આસપાસની સપાટી પણ ગરમ થઈ જાય છે. જે ટેમ્પરેચરને વધુ વધારી દે છે, જેનાથી બેટરીમાં આગ લાગી શકે છે. આવી બેટરી જે સર્ટિફાઈડ પણ હોતી નથી. ડીઝલ-પેટ્રોલવાળી ગાડીઓમાં પણ લાગતી આગમાં 5-8ટકા બેટરી આગ માટે જવાબદાર હોય છે.

ભારતમાં જ આગના બનાવ નથી
અમેરિકા અને ચીનમાં ટેસ્લાની કારમાં આગ લાગી હોય એવા કેસ સામે આવ્યા છે. વર્ષ 2016માં સેમસંગ નોટ 7માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પણ એક્સપર્ટ ત્યાં સુધી કહે છે કે, આ જોખમ ટાળી શકાય છે. માત્ર ઈલેક્ટ્રિક વ્હીકલ મેકર દ્વારા રેકમન્ડ ચાર્જરથી જ ચાર્જ કરો. ભેજ ચાર્જર અને બેટરી બંને માટે ખતરનાક છે વાહનને ભેજ ન લાગે એનું ખાસ ધ્યાન રાખો. સારા સોકેટ અને પ્લગનો ઉપયોગ ચાર્જિંગ કરવા માટે કરો. ઓવરચાર્જિંગથી બચો. ફૂલ બેટરી ન હોય પણ કામ ચાલી જાય છે. ઈલેક્ટ્રિક વ્હીકલને ઘણા સમય સુધી તડકામાં પાર્ક ન કરો. તાપથી બેટરી તપી શકે છે.

