ભાવનગરથી દિલ્હી જતી ફ્લાઈટમાં પુરતા મુસાફરો નહીં મળતા સેવા ખોરંભે ચડી છે ત્યારે હવે 15 એપ્રીલથી ભાવનગરથી મુંબઈની દરરોજ ફ્લાઈટ ઉડશે. આ ફ્લાઈટને પહેલા સપ્તાહમાં ત્રણ જ દિવસ ચલાવવામાં આવતી હતી. પરંતુ હવે તેને દરરોજ ઉડાડવાનો નિર્ણય સ્પાઈસ જેટ કંપનીએ લીધો છે.

ભાવનગરથી વિમાની સેવા આગામી તા.27 માર્ચથી બંધ થઇ રહી છે ત્યારે સ્પાઇસ જેટની ભાવનગરની વિમાની સેવા આગામી તા.15 એપ્રિલ,2022થી પુન: શરૂ થશે. ભાવનગરના સાંસદ ડો.ભારતીબહેન શિયાળના જણાવ્યા પ્રમાણે સ્પાઇસ જેટની વિમાની સેવા ભાવનગર-મુંબઇ વચ્ચે હાલ સપ્તાહમાં 3 દિવસ માટે છે તેના બદલે હવે દરરોજ, નિયમિત રીતે શરૂ થશે. સ્પાઇસ જેટ ભાવનગરથી દિલ્હી વચ્ચે અને ભાવનગરથી સુરત વચ્ચે પણ વિમાની સેવા શરૂ કરશે ભાવનગરની વિમાની સેવાના પ્રશ્ને મેં સંસદમાં પણ અવાજ ઉઠાવ્યો હતો.

કેન્દ્રીય એવિએશન મંત્રી જ્યોતિરાજે સિંધીયા રોમાનિયામાં હતા પણ તેઓએ તાકીદે અગત્યના પત્ર સંબંધે તેમને રજૂઆત કરી હતી. રોમાનિયાથી રાત્રે 3 કલાકે ભારત પરત ફર્યા બાદ સવારે 9 કલાકે મંત્રીએ સાંસદને જણાવ્યું હતુ કે ભાવનગર એરપોર્ટને બંધ નહીં થવા દેવાય તેમજ સ્પાઇસ જેટની સેવા ચાલુ રહેશે.

