કચ્છના સફેદ રણમાં ગેરકાયદેસર રીતે પકવવામાં આવતા મીઠાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. અહીં જુદા જુદા વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓએ આ વાત દાવા સાથે કરી છે. આ સાથે અગરિયાઓએ આરોપ મૂક્યો છે કે, અહીં આવેલી એગ્રોસેલ અને સોલારિસ કંપનીઓ ગેરકાયદેસર રીતે માઈનિંગ કરી રહી છે. તેમ છતાં કચ્છનું તંત્ર એમને કોઈ પ્રકારની રોકટોક કરતું નથી.
કચ્છ તથા આસપાના વિસ્તારમાં મીઠું પકવતા અગરિયાઓએ કહ્યું કે, લાખો એકર જમીનમાં કચ્છમાં ગેરકાયદે મીઠું પકવાય છે. એટલું જ નહીં નેતાઓ અને અધિકારીની મીલી ભગતથી સફેદ રણમાં મીઠાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. આ પ્રકારના દાવા અનેક વખત થઈ ચૂક્યા છે. પણ પરિણામમાં માત્ર તપાસ પૂરતી જ સિમિત થઈ ચૂકી છે. આ માટે કોઈ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. પણ કચ્છ મોટા રણમાં મીઠું પકવતા અગરિયાઓ હવે આ મામલે તંત્રના કાન આમળવાના શરૂ કર્યા છે. બીડું ઝડપ્યું છે. એગ્રોસેલ અને સોલારિસ કંપની પર ગેર કાયદે માઇનીંગનો આરોપ મૂકીને તંત્રનું ધ્યાન દોર્યું છે. આ કંપનીઓને સરકારે માત્ર બ્રોમીન બનાવવાની મંજૂરી આપી છે. પણ ગેરકાયદેસર રીતે મીઠું પકવીને નજીવા ભાવે તે વેચાણ કરી રહી છે. જેથી અગરીયાઓને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.

મહત્વનું છે કે અગરીયાઓના આરોપ મુજબ એગ્રોસેલ-સોલારિસ કંપનીને સરકારે જમીન ભાડા પેટે આપી દીધી છે. આ કંપનીઓ પાસે મીંઠું વેચવા માટેની કોઈ મંજૂરી નથી. તેમ છતાંય આ બંને કંપનીઓ મીઠું પકવીને સાવ સસ્તા ભાવે વેચીં મારે છે. જેના કારણે પરંપરાગત રીતે મીઠું પકવતા અગરિયાઓને મોટી ખોટ જાય છે. આર્થિક રીતે નુકસાન વેઠવું પડે છે. જેથી હવે અગરિયાઓએ પણ સસ્તા ભાવે મીઠું વેચવું પડે છે. તેથી એમની હાલત આર્થિક રીતે કફોડી થઈ ગઈ છે. આ અંગે સરકારને પણ એગ્રોસેલ અને સોલારિસ કંપનીની મનમાની અંગે વારંવાર રજૂઆતો કરાઈ છે તેમ છતાં હાલની તારીખ સુધી કોઈ ઉકેલ ન આવતા અગરિયાઓએ આંદોલનની કરવાની હવે ચીમકી ઉચ્ચારી છે. આવનાર સમયમાં મોટી સંખ્યામાં અગરિયાઓ ગાંધીનગર પહોંચશે અને કંપનીઓની આવી મનમાની વિશે સરકારને ઉગ્ર રજૂઆત કરશે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અનુરોધ કર્યો છે.

