ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ નથી એ પહેલા જુદા જુદા સમાજના સંગઠનો સક્રિય થઈ રહ્યા છે. જેને ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે જોવામાં આવે છે. જ્ઞાતિ અને જાતિના સમીકરણોને આધારે વિધાનસભાની ચૂંટણી પહેલા વિવિધ જુદા જુદા સમાજની બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જેમાં પહેલા પાટીદાર સમાજ અને પછી કોળી સમાજે એક મોટી બેઠક કર્યા બાદ હવે રાજપુત સમાજ પણ મેદાને ઊતર્યો છે. આ વખતેની ચૂંટણીમાં માત્ર પાટીદાર કે કોળી ફેક્ટર નહીં પણ રાજપુત સમાજ પણ પ્રતિનિધિત્વ નોંધાવવા માટે આગળ આવ્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજપુતોને પણ સીટ આપવા માટે કરણીસેનાએ એક એકતા યાત્રાની જાહેરાત કરી દીધી છે. કરણીસેનાએ રાજપુતોને વિધાનસભામાં બેઠક આપવાની માંગ કરી છે. જેને લઈ તા.1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી એકતા યાત્રા કાઢવામાં આવશે. કુલ મળીને 15 જેટલી બેઠકો પર ક્ષત્રિયોનું પ્રભુત્વ હોવાથી અમે દરેક પક્ષો પાસે બેઠક માંગીશું. ગુજરાત કરણી સેના પ્રમુખ જે.પી. જાડેજાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમે કચ્છ માતાના મઢથી છેક સોમનાથ સુધી યાત્રા કાઢીશું. જ્યારે એમને નરેશ પટેલ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, સામાજિક આગેવાનોએ રાજકારણમાં આવવું ન જોઈએ. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોળી સમાજને અનામત આપવા અંગે વિધાનસભામાં મુદ્દો ઊઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજને વીસ ટકા અનામત આપવાની જરૂર પડે તો લડત પણ લડીશું. આ સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, આ સરકારમાં પણ અનામત જેવી સ્થિતિ છે. ST,OBC,SCના મિત્રોને પણ મંત્રીમંડળમાં કોઈ સારૂ સ્થાન મળ્યું નથી. રોજગારી મુદ્દા કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરાતમાં રોજગારી નથી. 1.20 કરોડની કોળી સમાજની વસ્તી છે. 27 ટકા ઓબીસી સમાજમાં 80 ટકા કોળી-ઠાકોર છે. તેમ છતાં બજેટમાં યોગ્ય કોઈ ફાળવણી નથી.

જોકે, હકીકત એવી પણ છે કે,વિધાનસભાની ચૂંટણી પહેલા જુદા જુદા સમાજ સંગઠિત થતા રાજકીય ચહલપહલ વધી ગઈ છે. ખાસ કરીને કોળી સમાજની બેઠકમાં કુંવરજી બાવળીયા અને દેવજી ફતેપરાની બાદબાકી થતા અનેક મુદ્દાઓ સૌરાષ્ટ્રના રાજકારણમાંથી ચર્ચામાં રહ્યા હતા. જોવાનું એ રહે છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા જે તે સમાજમાંથી કોને બેઠક મળી રહે છે. કોનું પત્તુ કપાય છે.

