રખડતા ઢોરના કારણે લોકોને ઈજા થવાના અને જીવ ગુમાવવાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે મેટેડો જીઆઈડીસીમાં બે આખલાની લડાઈ રક્તરંજીત બની હતી. આ લડાઈમાં આખલાએ વૃદ્ધાને હડફેટે લેતા તેનું સારવારમાં મોત નીપજ્યું હતું.

રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા મેટોડા જીઆઈડીસીમાં રહેતા શારદાબેન જેન્તીભાઈ કવાડ (ઉ.વ. 60) નામના પ્રૌઢા ગઈ કાલે રાત્રે ઘર પાસે ઉભા હતા. ત્યારે શેરીમાં બે ખૂંટિયા લડાઈ કરતા હોય જે બંને લડાઈ કરતા કરતા પ્રોઢાની નજીક આવી જતા પ્રૌઢાને અડફેટે લેતા તેમને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર કારગત ન નીવડતા તેમણે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

બનાવની જાણ થતા લોધીકા પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પીએમ કરાવાયું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક શારદાબેનને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું તથા પતી મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. મેટોડા રખડતા ઢોરનો અનહદ ત્રાસ હોય ત્યારે સ્થાનિક લોકોએ રખડતા ઢોરથી મુક્તિ અપાવવા તંત્ર સમક્ષ માગણી કરી છે.

