ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો અને વેપારીઓ ટ્રક ભરીને પોતાની જણસો વેચવા માટે આવી રહ્યાં છે. ત્યારે દિનદહાડે યાર્ડમાંથી 165 ગુણી ધાણા ભરેલી ટ્રક કોઈ હંકારી જતા ચકચાર મચી ગઈ છે. પોલીસે રૂ. 9.60 લાખના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધી તસ્કરને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

ગોંડલના મોવિયા રોડ પર સ્વરમ પાર્કમાં રહેતા અને ત્રણ આઈસર ટ્રક ધરાવતા ઈદ્રીશભાઈ જુમાભાઈ કોલીયાના ડ્રાઈવર જુમાભાઈ ઉર્ફે મીઠો સાવાણે આઇસર ટ્રક જીજે-04-ટી-4781 આર.સી. પેઢીમાંથી 165 ગુણી ધાણા ભરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ નંબર ત્રણ કિલો નંબર 20 પાસે ખુલ્લામાં ઉભો રાખી હતી. બાદમાં બીજી ગાડી ખાલી કરવાના કામે ગયા બાદ તેને અજાણ્યો શખસ હંકારી ચોરી કરી લઈ જતા આઇસર ટ્રકના માલિકને જાણ કરાઈ હતી.

યાર્ડના સીસીટીવી કેમેરા તેમજ ગેટ ઉપર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આઇસર આદિત્ય એન્ટરપ્રાઇઝ નામની પેઢીનો ગેટ પાસ કઢાવી કોઈ અજાણ્યા શખ્સ ચલાવીને જતો રહ્યો છે. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ રૂપિયા 9,60,000ની ચોરી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ છે.

