વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં 2 દિવસ કાર્યક્રમ યોજાશે. કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા બંદોબસ્તની તૈયારી કરવામાં આવી રહી છે. સમગ્ર રૂટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત રહેશે

પીએમ મોદીના આગમન પહેલાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી, જ્યાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. પીએમની સુરક્ષામાં હથિયારી ગાર્ડ પણ રહેશે. વીવીઆઈપી અવરજવર હશે ત્યારે બિનઅધિકૃત લોકોનો પ્રવેશ રોકવામાં આવશે. પીએમના આગમન સમયે હુમલો, વિરોધપ્રદર્શન જેવી સ્થિતિ ઊભી ના થાય એનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. આ અંગે સેક્ટર-1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે અત્યારસુધીના વીવીઆઈપી બંદોબસ્તમાં જે ખામીઓ થઇ છે એ ફરીથી ના થાય એ માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. મોદીના કાર્યક્રમ દરમિયાન 4 આઈજી-ડીઆઈજી કક્ષાના અધિકારીઓ, 24 ડીસીપી, 38 એસીપી, 124 પીઆઈ, 400 પીએસઆઈ અને 5550 પોલસીકર્મી તહેનાત રહેશે.

આગામી શુક્રવારે 11મીએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે આયોજિત સરપંચ સંમેલન કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે. તો બીજી તરફ ભૂપેન્દ્ર પટેલની સરકારનું આખું પ્રતિનિધિ મંડળ પણ સરપંચ સંમેલનમાં ઉપસ્થિત રહેશે, જેને કારણે 11 માર્ચ શુક્રવારે વિધાનસભાના બજેટસત્રમાં રજા રાખવામાં આવશે અને ત્યાર બાદ બીજો અને ચોથો શનિ રવિ હોવાથી સરકારી કામકાજમાં પણ રજા રહેશે.

પીએમ નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. અહીંથી કમલમ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવશે. આ રોડ શોમાં ભાજપની ટીમ તેમજ ધારાસભ્ય, સાંસદ તથા અપેક્ષિત હોદ્દેદારો હાજર રહેશે. વડાપ્રધાન મોદી આ બાદ પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક કરશે અને કમલમમાં ભોજન લેશે. અહીંથી તેઓ રાજભવન જશે અને ત્યાંથી જીએમડીસીમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાના ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે.

આ બાદ 12મી માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે સમગ્ર સંકુલનાં લોકાર્પણ અને કોન્વોકેશનમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. આ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી સાંજે 6 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. આ દરમિયાન સ્પોર્ટ પોલિસીની પણ જાહેરાત કરવામાં આવશે.

