તા.1 એપ્રિલ બાદ કોઈ પણ વાહન અકસ્માતના કેસમાં પોલીસ તપાસ ફરજિયાત બની રહેશે.48 કલાકમાં વાહન અકસ્માત દાવા ટ્રિબ્યુનલ તથા વીમાં કંપનીઓને પોલીસે આ વિશે જાણ કરવી પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય તરફથી વીમા સર્ટિફિકેટમાં પણ અધિકૃત મોબાઈલ નંબર દર્શાવવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. વાહન અકસ્માતના કેસનો વહેલાસર નિકાલ આવે તથા પીડિતોને વહેલી તકે સારવાર મળે તથા વળતર મળે એ હેતુંથી નિયક પ્રક્રિયા કરવા માટે જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે.
પોલીસે અકસ્માતના સ્થળે પહોંચીને પુરાવા એકત્ર કરવા પડશે. વીડિયોગ્રાફી કરવી પડશે. એક્સિડન્ટ ટ્રિબ્યુનલ તથા વીમા કંપનીને 48 કલાકમાં જાણ કરવી પડશે. પીડિત કે તેના પરિવારને 10 દિવસમાં વળતરના હક્ક તથા દાવાની માહિતી આપવી પડશે. હોસ્પિટલોએ MLC તથા પોસ્ટમોર્ટમ રીપોર્ટ પંદર દિવસમાં આપવો પડશે. વાહનચાલક તથા વાહન માલિકે ત્રીસ દિવસમાં ફોર્મમાં સંપૂર્ણ જાણકારી રજૂ કરવી પડશે. તાપસનીશ અધિકારીઓએ પચાસ દિવસમાં એક્સિડન્ટ ટ્રિબ્યુનલને વચગાળાનો રીપોર્ટ આપવો પડશે. 60 દિવસમાં પોલીસ તપાસ પૂરી કરવી પડશે. 90 દિવસમાં ટ્રિબ્યુનલને વિસ્તૃત આખરી રીપોર્ટમાં સોંપવો પડશે. આ સિવાય કાર સહિતના વાહનોમાં અત્યારે ફાસ્ટેગ સ્ટિકર લગાવેલા હોય છે.

હવે વિન્ડસ્ક્રિન પર વધુ એક સ્ટિકર લગાવવું પડશે. બ્લુ કલરમાં પીળા કલરથી ફિટનેસ વેલિડિટી, તારીખ, મહિનો વર્ષનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન નંબર પણ દર્શાવવો પડશે. વિન્ડ સ્ક્રિનની ડાબી બાજુ આ સ્ટિકર લગાવવાનું રહેશે. પરિવહન મંત્રાલયના નોટિફિકેશન અનુસાર માર્ગ પર વાહન અકસ્માત થતા પોલીસે પહેલા ઘટના સ્થળે પહોંચવાનું રહેશે. તમામ પ્રક્રિયા નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે.
દિલ્હીમાં આ મોડેલનો સૌથી પહેલા પ્રયોગ કરવામાં આવ્યો હતો. એ પછી હવે દેશભરમાં આ મોડલનો ઉપયોગ કરવામાં આવશે. કોર્ટે આ અંગે એક આદેશ આપ્યા બાદ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. કોર્ટના આદેશની નોંધ લઈને મંત્રાલયે આ પ્રકારનું જાહેરનામું જાહેર કર્યું છે. ખાસ કરીને દરેક રાજ્યમાં આ અંગે અમલવારી થાય એવું કેન્દ્રીય તંત્ર ઈચ્છે છે. જોકે, આનાથી અકસ્માતના કેસમાં ઝડપથી પ્રક્રિયા થશે, નીવેડો ઝડપથી આવશે. જોકે, હવે પોલીસની જવાબદારીમાં મોટો વધારો થશે. બીજા કેસ કરતા અકસ્માતના કેસની પ્રાયોરિટી વધી જશે.

