રશિયા-યુક્રેન યુદ્ધના નવમા દિવસે રશિયાની સેનાએ ગોળીબારમાં કરતા ઝેપોરિઝિઝ્યા ન્યૂક્લિયર પ્લાન્ટમાં એકાએક આગ લાગી ગઈ હતી. જો આ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો તો વિશાળ વિનાશ થશે. ફાયર ફાઇટરોએ આ આગ ગણતરીના કલાકોમાં જ ઠારી નાંખી હતી. હુમલા પછી રેડિયેશન સ્તર સામાન્ય હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. આ દરમિયાન પોલેન્ડ બોર્ડર પર ભારતીયોને લેવા ગયેલા નિવૃત્ત જનરલ વીકે સિંહે માહિતી આપી હતી કે કિવમાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે, જેની સારવાર ચાલું રહી છે. આ તરફ યુક્રેન બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક મળી હતી.

રશિયન નેશનલ ડિફેન્સ કંટ્રોલ સેન્ટરના વડા કર્નલ જનરલ મિખાઈલ મિઝિન્ટસેવે એલાન કર્યું છે કે, 130 રશિયન બસ ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશીઓને યુક્રેનના ખાર્કિવ અને સુમીથી રશિયાના બેલ્ગોરોડ પ્રદેશમાં સ્થળાંતર કરવા માટે સ્ટેન્ડ ટુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયા સાથે વાત કર્યા બાદ ઝેપોરિઝિઝ્યામાં ન્યૂક્લિયર સાઈટ પર સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે ઈમર્જન્સી ટીમને યુદ્ધના ધોરણે મંજૂરી આપી દીધી છે. યુએસમાં વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્લાન્ટમાંથી રેડિયેશન લેવલ વધવાના હાલમાં કોઈ પ્રકારના સંકેત નથી. Google અને TripAdvisorએ બેલારુસ, રશિયા અને યુક્રેનમાં નકશા, રેસ્ટોરાં, હોટલની સમીક્ષા કરતા યુદ્ધ સમાચારને બ્લોક કર્યા છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પર સમગ્ર યુરોપને જોખમમાં મૂકવાનો આરોપ લગાવ્યો છે. જોનસને કહ્યું કે રશિયન સેનાએ યુક્રેનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર હુમલો કરીને સમગ્ર યુરોપને જોખમ હેઠળ મૂકી દીધું છે. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિનની બેદરકારીભરી છતી થઈ ચૂકી છે. હવે સમગ્ર યુરોપની સુરક્ષાને સીધું જ જોખમ થઈ શકે છે. જોકે, ભારતીય મંત્રીઓ યુક્રેનના પાડોશી રાષ્ટ્રમાં જઈને ભારતીયોને ત્યાંથી કાઢવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

હાલમાં રશિયન હુમલાને કારણે 10 લાખ યુક્રેનિયન્સને તેમનું વતન છોડીને અન્ય દેશોમાં આશરો લેવાની ફરજ પડી છે. યુએનના પ્રવક્તાએ કહ્યું હતું કે યુક્રેનમાં આ હુમલાથી 209 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. ભારતીય માર્કેટમાં આ યુદ્ધની માઠી અસર જોવા મળી રહી છે.

