રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ મહિને ગુજરાતના અમદાવાદમાં પોતાની ત્રિદિવસીય વાર્ષિક અખિલ ભારતીય પ્રતિનિધિ બેઠકનું આયોજન કરાયું છે. જેમાં પ્રમુખ મોહન ભાગવત સહિતના નેતાઓ શામેલ થશે. આરએસએસ દ્વારા ગુરૂવારે સવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 11થી 13 માર્ચ સુધી થનારી વાર્ષિક બેઠકમાં સંગઠનના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેમાં તેના સરસંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબલે, સહસરકાર્યવાહ મનમોહન વૈદ્ય સહિત અન્ય નેતાઓનો પણ સમાવેશ થાય છે.

અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકરે જણાવ્યું છે કે, આ બેઠકમાં આરએસએસ દ્વારા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. તેમજ આગામી વર્ષો માટે વિવિધ યોજનાઓ અને નિર્ણયોને પણ અંતિમ રૂપ દેવામાં આવશે. જેમાં આરએસએસના તમામ પદાધિકારીઓ શામેલ થવાની સંભાવના સેવાઈ રહી છે. બેઠકમાં વિતેલા વર્ષનો રિપોર્ટ, સંઘની આગામી વર્ષની કાર્ય વિસ્તાર યોજના, સંઘ શિક્ષા વર્ગ અને પ્રાસંગિક વર્તમાન પરિદ્રશ્ય ઉપર ચર્ચા કરાશે. તો કેટલાક મુદ્દાઓ ઉપર સમાધાન પણ થશે.

