રશીયા અને યુક્રેન વચ્ચે છેલ્લા સાત દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પગલે યુક્રેનના અનેક શહેરોમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. તો બીજી તરફ ભારે તોપમારા વચ્ચે ભારતીય એમ્બેસી દ્વારા ખારકિવમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓને 4 કલાકમાં ખારકિવ છોડવા માટે ચેતવણી આપી દેવાઈ છે. યુક્રેનમાં ભારતીય એડવાઈઝરી દ્વારા ભારતીયોને સલાહ અપાઈ છે કે શક્ય તેટલી ઝડપથી અને વહેલી તકે પેસોચીન, બાબે અને બેઝલ્યુડોવકા તરફ આગળ વધો. તમામ સંજોગોમાં યુક્રેનના સમય પ્રમાણે સાંજે 6 કલાક સુધીમાં આ વસાહતો ઉપર પહોંચી જવા માટે ચેતવણી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે યુપીના સોનભદ્રમાં સંબોધેલી રેલીમાં યુક્રેન સંકટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે યુક્રેનમાં ફસાયેલા આપણા દેશના નાગરિકોને ત્યાંથી બચાવવા માટે આટલું મોટુ અભિયાન ચલાવી રહ્યાં છીએ. જે ભારતની વધતી જતી ક્ષમતાને દર્શાવે છે. ઓપરેશન ગંગા હેઠળ હજારો નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવ્યાં છે. આપણી સેના અને વાયુસેના મુશ્કેલીમાં મુકાયેલા ભારતીયોને ઝડપથી બચાવવા માટે તૈનાત કરી છે. આજે હું દેશની જનતાને ખાતરી આપુ છું કે, ભારત સરકાર તેના નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે કોઈ કસર છોડશે નહીં.
URGENT ADVISORY TO ALL INDIAN NATIONALS IN KHARKIV.
— India in Ukraine (@IndiainUkraine) March 2, 2022
FOR THEIR SAFETY AND SECURITY THEY MUST LEAVE KHARKIV IMMEDIATELY.
PROCEED TO PESOCHIN, BABAYE AND BEZLYUDOVKA AS SOON AS POSSIBLE.
UNDER ALL CIRCUMSTANCES THEY MUST REACH THESE SETTLEMENTS *BY 1800 HRS (UKRAINIAN TIME) TODAY*.
યુક્રેનમાંથી ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. જે અંતર્ગત બુધવારે યુરોપના દેશમાં બે ફ્લાઈટ પણ ભારત પરત ફરી હતી. ભારતની જમીન ઉપર પગ મુકતાની સાથે જ ભારતીય વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવી પોતાની જાતને સુરક્ષિત મહેસુસ કર્યાં હતાં. વિદેશ વિભાગના સુત્રોએ માહિતી આપી છે કે યુદ્ધગ્રસ્ત યુક્રેનના પાડોશી દેશોમાં 31 ઈવેક્યુએશન ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે અને પૂર્વી યુરોપિયન રાષ્ટ્રમાં ફસાયેલા 6300થી વધુ ભારતીયોને પરત લાવવામાં આવશે. ઓપરેશન ગંગા હેઠળ એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, સ્પાઈસ જેટ, ઈન્ડિગો તથા એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ઓપરેટ કરાઈ રહી છે.

