સૌરાષ્ટ્ર પંથકની જાણીતી UV ક્લબના ચેરમેન તથા કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આત્મહત્યા કરતા પહેલા તેમણે મીડિયાને એક નોટ મોકલી હતી. જેમાં ઓઝોન ગ્રૂપ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. પોતાના આ પગલાં પાછળ ઓઝોન ગ્રૂપને જવાબદાર ઠેરવ્યું છે. આ નોટમાં એવું લખવામાં આવ્યું છે કે, મારી રૂ.33 કરોડની મિલકતના દસ્તાવેજ કરી અપાતા નથી. મારા ગ્રૂપના 70 કરોડના દસ્તાવેજ છે. અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ, અતુલ મહેતા તથા અમદાવાદના કેટલાક લોકો જવાબદાર છે.
આ પ્રકારનો દાવો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ નોટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મને હજુ પણ હેરાન કરવામાં આવ્યો હતો. મારા પર ફરિયાદ કરી છે અને ધમકી પણ ઉચ્ચારી છે. મહેન્દ્ર ફળદુ કડવા પાટીદાર સમાજના આગેવાન પણ હતા. જેણે ગળેફાંસા ખાઈને આત્મહત્યા કરી લીધી છે. એમ એમ પટેલ, અમિતભાઈ ચૌહાણ, અતુલભાઇ મહેતા તેમજ અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ કુમાર કાંતિલાલ પટેલ, દિપક મણિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ અને પ્રાણય કુમાર કાંતિલાલ પટેલ આ તમામ લોકો બિલ્ડર છે. જ્યારે કેટલાક અમદાવાદના બિલ્ડર છે. વાવડ એવા પણ મળ્યા છે કે, તેમણે પહેલા દવા પી લીધી હતી અને પછી આત્મહત્યા કરી લીધી હતી. તેમણે પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈને આ પગલું ભર્યું છે. જમીનના પૈસા અટવાઈ જવાની વિગત મળી હતી. આ વાતનો ઉલ્લેખ તેમણે પોતાની અંતિમ નોટમાં કર્યો છે. આ ઘટના બાદ સૌરાષ્ટ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. એડવોકેટ મહેન્દ્ર ફળદુ સામાજિક રીતે પણ સક્રિય હતા. આ પગલાંને કારણે સમગ્ર રાજકોટ સિટીમાં શોકનો માહોલ છે.

મહાનગર અમદાવાદ જિલ્લાની બાળવા તાલુકાની “ધ તસ્કની બીચ સીટી” નામના પ્રોજેક્ટમાં મહેન્દ્ર ફળદુ અને તેના પરિવારજનોએ 1 લાખ વાર જગ્યા ખરીદીને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું, આ જમીન મામલે વિવાદ થવાના કારણે મહેન્દ્ર ફળદુ એકાએક મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. આ વાતનો ઉલ્લેખ તેમણે અંતિમ ચિઠ્ઠીમાં કર્યો છે. પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. છેલ્લે તેમણે એવું પણ લખ્યું છે કે, મને તથા મારા પરિવારને આ પ્રેસ પર વિશ્વાસ છે. મીડિયા અમને ન્યાય અપાવજો. આ પ્રેસનોટના આધારે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. જોકે, પોલીસ આ તમામ લોકોને પૂછપરછમાં દાયરામાં લઈ શકે છે.

