માળીયા (મીં) તાલુકાના બગસરા ગામની સીમમાં આવેલા ઢોક વિસ્તારમાં પવનચક્કીને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ ઇલેક્ટ્રિકના કોપર કેબલ વાયર ચોરી કરી લીધાની ઘટના સામે આવી છે. બનાવ અંગે સિક્યુરિટી સુપરવાઇઝરે માળીયા મીયાણા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ રાજકોટની ઈગલ આઈ સિક્યુરિટી સર્વિસમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ મેઘુભા પરમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે બગસરા ગામની સીમમાં આવેલી સુજલોન કંપનીની પવનચક્કી નંબર VM-36માં અજાણ્યા શખ્સે તાળું તોડી પ્રવેશ કર્યો હતો.
તસ્કરે પવનચક્કીમાં લગાવવામાં આવેલા 240 સ્ક્વેર એમએમના કોપર કેબલ વાયર કાપી લીધા હતા. આશરે 260 મીટર જેટલા કેબલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 78 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ અંગે ફરિયાદ મળતાં માળીયા મીયાણા પોલીસે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે ચોરી કરનાર શખ્સની ઓળખ અને મુદ્દામાલની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે.

