રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો મંગળવારે છઠ્ઠો દિવસ રહ્યો છે. ભારતે ‘મિશન ગંગા’ હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાનું ફ્લાઈટ ઑપરેશનને વેગ આપ્યો છે.આ દરમિયાન યુક્રેનમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એક અડવાઈઝરી જાહેર કરી દીધી છે. જેમાં તમામ ભારતીયોને એવું કહેવામાં આવ્યું છે કે, તમામ ભારતીયો તાત્કાલિક ધોરણે યુક્રેનની રાજધાની કીવને ખાલી કરી દે. ભારતીય નાગરિકોએ કીવને ખાલી કરવું પડશે અને અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ શિફ્ટ થઈને સુરક્ષિત રહેવું પડશે. હાલમાં આ પ્રકારના આદેશ એમ્બેસીએ આપેલા છે. પોલેન્ડમાં ભારતીયોની મદદે માટે ગૃહાંગ પટેલ નામનો યુવાન મદદ હેતું આગળ આવ્યો છે.
ગૃહાંગ પટેલ નામના યુવાને એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. જેમા તેણે કહ્યું હતું કે, પોલેન્ડની સરહદે તે બનતી મદદ તમામ ભારતીય તથા ગુજરાતીઓને કરશે. ગૃહાંગ પટેલે પોતાના મોબાઈલ નંબર +48729663296 પણ જાહેર કર્યા છે. આ સાથે તેણે એવું પણ કહ્યું છે કે, કોઈપણ ભારતીયોને મદદની જરુર હોય તો અવશ્ય તેઓ સંપર્ક કરી શકે છે. ભારતીયોને રહેવા જમવા સહિતની તમામ વ્યવસ્થા કરી આપીશ. જે કોઈપણ વિદ્યાર્થીને જરૂર હોય તો પોલેન્ડમાં અમારો સંપર્ક કરી શકે છે. યુદ્ધના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ ચૂકી છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા અર્જુન પરમાર નામના યુવાન સાથે પણ 12 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમને વરસાદ વચ્ચે રસ્તા પર રાત પસાર કરવી પડી હતી. ગૃહાંગ પટેલે કહ્યું કે, હું પોલેન્ડમાં રહું છું. વોર્સો સિટીમાં રહું છું. જે કોઈ ભારતીયો ફસાયા હોય અને તેઓ પોલેન્ડ આવ્યા હોય તો અવશ્ય મારો સંપર્ક કરી શકે છે.સોમવારે યુક્રેન પોલેન્ડ બોર્ડર ખોલી દેવામાં આવી હતી. જેમાં યુવતીઓને અંદર જવા માટે પ્રાથમિકતા આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતની 60 જેટલી વિદ્યાર્થિનીઓ પોલેન્ડ પહોંચી ગઈ હોવાના વાવડ મળ્યા છે.
પોલેન્ડ પહોંચેલી મહેસાણાની યુવતીના પરિવારનોએ કહ્યું કે, હાલમાં પોલેન્ડની હોટેલમાં એમની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં પોલેન્ડની મેડિકલ ટીમ તરફથી એમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલેન્ડથી ફ્લાઈટ ઑપરેશન થકી એમને એરલિફ્ટ કરવામાં આવે તો સારૂ. પોલેન્ડમાં ભારતીયોને રહેવા તથા જમાવ માટેની વ્યવસ્થા માટે આ ગુજરાતી યુવાન આગળ આવ્યો છે. જેમે શક્ય એટલી તમામ પ્રકારની મદદ કરવાની તૈયારી બતાવી છે.

