ભરૂચના સાંસદનો દબંગ અવતાર જોવા મળ્યો છે. મનસુખ વસાવા અવારનવાર પોતાની કામગીરીને લઈને સમયાંતરે ચર્ચામાં રહે છે.એવામાં ફરી એક વખત એના વીડિયોએ ચર્ચાઓ ઊભી કરી છે. તેમણે મામલતદાર અધિકારીને જાહેરમાં ધમકાવી કામગીરી બાબતે ઊધડો લીધો છે. આ ઉપરાંત ઓવરલોડ વાહનોના મુદ્દે અધિકારીને ખખડાવી નાંખ્યા છે. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જોકે, આ વીડિયોમાંથી સાંભળવા મળ્યું કે, મનસુખ વસાવા જાહેરમાં એક મામલતદાર અધિકારીને ગાળો ભાંડી રહ્યા છે.
મનસુખ વસાવાએ પૂછેલા પ્રશ્નો સામે મામલતદાર પોતે પણ શાંત પડી ગયા હતા. જેનો જવાબ આપવો મામલતદારને ભારે પડ્યો હતો. આ ઉપરાંત મનસુખ વસાવાએ સર્કલ ઓફિસરની પણ ઝાટકણી કાઢી હતી. આ સાથે બંને અધિકારીઓને પોતાની જવાબદારીનું ભાન કરાવ્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ મામલતદારને પ્રશ્ન કર્યો હતો કે, રેતી ચોરી મામલે તમે કેટલો હપ્તો લો છો? એવો પણ દાવો કર્યો હતો કે, હપ્તો લીધા વગર આવું બધુ ચાલી જ ન શકે. જે લોકો સ્થળ પર હતા અને મામલતદારનું ઉપરાણું તાણી રહ્યા હતા એ લોકોને પણ સાંસદે બરોબરના ખખડાવ્યા છે. જોકે, રાજ્યમાં રેતી ચોરીનો આ મામલો નવો નથી. રેતી અને ગેરકાયદેસર ખનનને લઈને સાંસદ હવે મેદાને પડ્યા છે. જેમાં સંકાળેલા અધિકારીઓ સામે નેતાએ બાંય ચડાવી છે. નારેશ્વર રોડ પર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. જે વાતનો ઉલ્લેખ કરીને વસાવાએ કહ્યું કે, અહીં લોકો મરી રહ્યા છે અને તમે હપ્તા લો છો? આ સાથે તેમણે જિલ્લા ક્લેક્ટર પર એવા આક્ષેપ લગાવ્યા કે, આ રીતે થતી રેતીચોરીમાં તમારો પણ હાથ છે. તમામ સ્તરે લેવાતા હપ્તા વગર આ કંઈ શક્ય નથી.ઓવરલોડ વાહનોના મુદ્દે તેમણે મામલતદારોથી લઈને સર્કલ ઓફિસર સુધીના અધિકારીઓની જાહેરમાં આકરા મિજાજમાં ઝાટકણી કાઢી છે.

જોકે, રાજ્યમાં દિવસે દિવસે રેતી ચોરીનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. આ પહેલા અમરેલીમાં પણ જિલ્લા પોલીસવડાને ફરિયાદ મળતા પોલીસ અધિકારીઓની ટ્રાંસફર કરી દેવામાં આવી હતી અને એક પોલીસ કર્મચારીને ત્રણ દિવસમાં ચાર વખત સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર સાંસદ મનસુખ વસાવાનો આકરો મિજાજ જોવા મળ્યો છે. જેમણે જાહેરમાં મામલતદારની નીતિ સામે પ્રશ્નો કરીને હકીકત ઉઘાડી પાડી દીધી છે.

