જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત રીતે ઉજવાતા મહાશિવરાત્રીના પાંચ દિવસના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ત્યારે આ વર્ષે બે વર્ષ બાદ ગિરનારમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવાનો હોય વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ટ્રાફિકને કાબુમાં લાવવા માટે અને સફાઈ તથા પાણીની સુવિધા માટે પગલાઓ લેવામાં આવ્યાં છે.

આગામી તા. 25મી શુક્રવારથી હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થશે અને મહાશિવરાત્રી દિવસની રાત્રે રવાડી બાદ આ પાંચ દિવસના મેળાની પૂર્ણાહૂતિ થશે. ભવનાથમાં યોજાતો શિવરાત્રીનો મેળો સમગ્ર રાજ્યના લોકો માટે અનેરું મહત્વ ધરાવે છે. ભવનાથ મહાદેવના સાનિધ્યે મહાશિવરાત્રી નિમિત્તે યોજાતા પરંપરાગત મેળા માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વહીવટી તંત્ર દ્વારા મેડીકલ, પાણી સુવિધા વિગેરે જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરાઈ રહી છે. તો જૂનાગઢ પહોંચવા માટે વધારાની બસો દોડાવવા માટે એસટી વિભાગ દ્વારા આયોજન કરાયું છે.

ભરડાવાવથી આગળ વાહન ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે. તો પાર્કિંગ સુવિધા પણ ઉભી કરાઈ છે. મહાનગરપાલિકા દ્વારા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ મમાટે પાણીની તેમજ સફાઈની વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. અલગ અલગ સ્થળોએ અલગ અલગ સ્ટોલ પણ ઉભા કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત આ પરંપરાગત મેળામાં શ્રદ્ધાળુઓ આવીને ભક્તિ, ભોજન અને ભજનનો લ્બાવો લે તેવી અપીલ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા તેમજ આહવાન અખાડાના મહંત ભારદ્વાજગીરીએ અપીલ કરી છે.

તો મહાશિવરાત્રીના આ પરંપરાગત મેળામાં વિવિધ રાઈડ્સ અને સ્ટોલો પણ લગાવવાનું શરૂ થયું છે. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન આરોગ્ય વિષયક સવલત આપવા માટે 8 એમ્બ્યુલન્સ ગિરનાર દરવાજાથી ભવનાથ વિસ્તારમાં સ્ટેન્ડબાય રહેશે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, રામ ટેકરી, રોપ-વે, સક્કરબાગ ઝુમાં વેક્સિનેશન ટીમ તથા સર્વેલન્સ અને ટેસ્ટિંગ માટે આરોગ્ય ટીમ સતત ફરજ બજાવશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ઝોનલ ઓફિસ, ભવનાથ નાકોડા પીએચસી, ભારતી બાપુના આશ્રમમાં આઈસીયુ સાથે એમ ત્રણ દવાખાના શરૂ કરાશે. જેમાં રાઉન્ડ ધી ક્લોક મેડિકલ ઓફીસરો ફરજ બજાવશે.

મહાશિવરાત્રીના મેળામાં એસટી નિગમ દ્વારા બસ સ્ટેશનથી ભવનાથ ખાતે એકસ્ટ્રા 50 મીની બસોનું સંચાલન કરાશે. બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી સીટી સંચાન મીની બસો દ્વારા કરાશે. જેનુ ભાડુ રૂપિયા 20 રાખવામાં આવ્યું છે. મેળા દરમયાન અમદાવાદ, રાજકોટ, ભૂજ, જામનગર, મોરબી, ખંભાળીયા, દ્વારકા, જામજોધપુર, પોરબંદર,સોમમનાથ, ઉના, મહુવા, અમરેલી, ભાવનગર સહિતના મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોનું પણ એકસ્ટ્રા સંચાલન એસટીની 225 મોટી બસ દ્વારા કરાશે. તથા રાજકોટ, જામનગર, અમરેલી તથા ભાવનગર વિભાગની 75 બસો મળીને કુલ 350 બસો દ્વારા સંચાલન હાથ ધરાશે.

