ઓડિશામાં પંચાયતની ચૂંટણીના થોડા દિવસો પહેલા, સુંદરગઢ જિલ્લાના એક આદિવાસી બહુલ ગામના રહેવાસીઓએ કથિત રીતે સરપંચના પદ માટેના તમામ ઉમેદવારો માટે “મૌખિક અને લેખિત પ્રવેશ પરીક્ષા” લીધી હતી. ઉમેદવારોએ જણાવ્યું કે જિલ્લાના કુત્રા ગ્રામ પંચાયત હેઠળના માલુપાડા ગામના સ્થાનિકોએ પરીક્ષાનું આયોજન કર્યું હતું. આ ગ્રામ પંચાયત માટે બીજા તબક્કામાં તા.18 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે.
આ અંગે એક ઉમેદવારે જણાવ્યું હતું કે સરપંચ પદ માટેના તમામ નવ ઉમેદવારોને ગુરુવારે સ્થાનિક શાળાના પરિસરમાં આયોજિત જાહેર સભામાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેમને પરીક્ષા વિશે માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે સરપંચ પદ માટેના આઠ ઉમેદવારોએ જાહેર સભામાં ભાગ લીધો હતો અને તેઓએ ‘એન્ટ્રન્સ ટેસ્ટ’ આપી હતી, જે રાત્રે 8 વાગ્યા સુધી ચાલી હતી. આ અંગે અન્ય એક ઉમેદવારે જણાવ્યું હતું કે પરીક્ષા દરમિયાન તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે તેઓ શા માટે ચૂંટણી લડી રહ્યા છે, સરપંચ પદના ઉમેદવાર તરીકેના તેમના પાંચ લક્ષ્યો શું છે, તેઓ કઇ કલ્યાણકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે વગેરે. આ ઉપરાંત તેમની પાસેથી ગ્રામ પંચાયતના ગામો અને વોર્ડ વિશે પણ માહિતી માંગવામાં આવી હોવાનું ઉમેદવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ પરીક્ષાનું પરિણામ તા.17 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જ્યારે આ સંદર્ભે પૂછવામાં આવ્યું ત્યારે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર-કમ-બ્લોક ચૂંટણી અધિકારી રબિન્દા સેઠીએ કહ્યું, “આ માટે કોઈ સત્તાવાર જોગવાઈ નથી. મેં તેના વિશે સાંભળ્યું છે, પરંતુ હજી સુધી કોઈએ કોઈ ઔપચારિક ફરિયાદ નોંધાવી નથી. જો મામલો મારી પાસે આવશે તો અમે તપાસ કરીશું.”
ઓડિશા રાજ્યમાં તા.16 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી પાંચ તબક્કામાં પંચાયતની ચૂંટણી યોજાશે, જેમાં 2.79 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તા.26 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પહેલા પરીક્ષા લેવાની આ અનોખી રીત સામે આવતા જાણનારા દરેક વ્યક્તિને આ અંગે નવાઈ લાગે છે. જોકે, ગ્રામવાસીઓ એવું ઈચ્છે છે કે, જેના પાસે નેતૃત્વ જાય એ વ્યક્તિને તમામ પ્રાથમિક જાણકારી હોવી જોઈએ.

