પાટણના સરસ્વતિ તાલુકાના વાહણા ગામે લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. બે મિત્ર ડીસા તાલુકાના ધરપડા ગામે રવિવારના રોજ લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા. આસેડા પાસે અચાનક બાઈક સ્લીપ થઈ જતા બે વ્યક્તિઓ રસ્તા પર પટકાયા હતા. જેમાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર હેતુ ડીસા અને પાલનપુર ખસેડાયા હતા. જ્યાં બંને વ્યક્તિઓના થોડા થોડા સમયના અંતે મોત નીપજ્યા હતા.

ઈજાગ્રસ્ત વ્યક્તિની ઓળખ ભરતજી બચુજી ઠાકોર તથા ભરતજી પ્રધાનજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. ભરતજી બચુજી ઠાકોરનું પાલનપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અને ભરતજી પ્રધાનજી ઠાકોરનું મહેસાણા ખાતે મંગળવારે મોત નીપજ્યું હતું. બંને વ્યક્તિઓના મોત નીપજતા આખુ વાહણા ગામ હિબકે ચડ્યું હતું. ભરતજી બચુજી ઠાકોર પરણેલા હતા. સંતાનમાં છ વર્ષનો એક દીકરો છે. બાળકે પિતા અને પત્નીએ પોતાના જીવનસાથી ગુમાવ્યા છે. એકએક તેઓ નોધારા બની ગયા છે. માર્ગ અકસ્માતમાં એક જ ગામના બે વ્યક્તિઓના અકાળે મોત થતા ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. બંને મિત્રો ધરપડા ગામે રવિવારે સાંજે લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. જ્યારે ડીસા પાસેથી ધરપડા-આસેડાના સિંગલ ટ્રેક પરથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા એ સમયે બાઈક અચાનક સ્લીપ થઈ જતા બાઈક પિલર સાથે ભટકાયું હતું. જેમાં બંનેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ભરત પ્રધાનજી ઠાકોરના તા.10 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતા. લગ્નની વરમાળા વરરાજા પહેરે એ પહેલા જ એની અર્થી ઊઠતા લગ્નનો ઉત્સાહ ઓસરી ગયો હતો. લગ્ન પ્રસંગના એક દિવસ પહેલા વરરાજાનું મૃત્યું થતા લગ્ન ગીતના બદલે મરશિયા ગાવાનો વારો આવ્યો હતો.

આ ઘટનાને કારણે બંને વ્યક્તિઓના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ભરત પ્રધાનજી ઠાકોર ત્રણ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. કંકોત્રીથી લઈને જમણવાર સુધીની તમામ તૈયારીઓ થઈ ચૂકી હતી. પણ અચાનક વરરાજાનું અકસ્માતે મોત થતા લગ્ન પ્રસંગ પૂરો થઈ શક્યો ન હતો. જાનની તૈયારીઓ કરતા પરિવારજનોને અર્થીની તૈયારીઓ કરવાનો વારો આવ્યો હતો. લગ્નનો હરખ હૈયાફાટ રૂદનમાં ફેરવાતા પરિવારજનો એકાએક દુઃખી થયા હતા.

