રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન આવારા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે ગતરાત્રીના સમયે એક ટ્રાવેલ્સ સંચાલકે દવાખાનાના ઓટલા ઉપર બેસેલા ત્રણ શખસો ઉપર ફાયરિંગ કર્યું હતું. જો કે યુવાન નીચે નમી જતા બચી ગયો હતો ત્યારબાદ ટ્રાવેલ્સ સંચાલકે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ પોલીસે રોફ જમાવનાર ટ્રાવેલ્સ સંચાલકને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે.

શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં ગતરાત્રીના 11 વાગ્યાના અરસામાં ડો. મનોજ પટેલના દવાખાના ઉપર મોહિત વાઘેલા અને તેના મામા અજય મગનભાઈ રાઠોડ અને મિત્ર મુકુંદભાઈ થીયાડ અને રાજેન્દ્ર પ્રતાપભાઈ પરમાર સાથે ડો. મનોજ પટેલના દવાખાને આવેલા ઓટલા ઉપર બેસ્યાં હતાં. ત્યારે કાળ રંગની ફોર્ચ્યુનર કાર અમારી પાસે આવીને ઉભી રહી હતી. જેમાં અંદર જયદિપસિંહ ઝાલાએ ચપટી વગાડીને અપશબ્દો બોલીને અહીં કેમ બેઠા છો કહીને તેની પાસે રહેલી બંધુકમાંથી ફાયરિંગ કર્યું હતું.

આ ફાયરિંગમાં તે નીચે નમી જતા બચી ગયો હતો. તો ટ્રાવેલ્સના સંચાલકે રોફ જમાવવા માટે વધારે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. તથા મારી નાંખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે ફાયરિંગ કરનાર ટ્રાવેલ્સના સંચાલક જયદિપસિંહ ઝાલાને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું. જ્યારે ફરિયાદી સામે રાત્રી કર્ફ્યુના જાહેરનામાનો ભંગની કલમો હેઠળ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

