ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં રૂપિયા 42.38 કરોડના ખર્ચે નિર્મિત લક્ષ્મી નગર અન્ડર બ્રિજનુ નામકરણ શહીદ સીડીએસ બિપિન રાવત બ્રિજ નામ આપી ઈ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાએ કોરોનાની વૈશ્વિક મહામારીમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ વિકાસના કાર્યો સમયસર પૂર્ણ કર્યા છે .

રાજકોટ મહાનગરને આધુનિકતાનો રંગ આપવા માટે તેમજ લોકોની સુખાકારી માટે હજુ ઘણા પ્રકલ્પો ચાલી રહ્યા છે તે અંગે શુભકામના પાઠવી મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની વિકાસયાત્રામાં શહેરી વિકાસનું મહત્વનું યોગદાન છે .શહેરોમાં કોઈ એક જ બાબત ના કાર્યો કરવાના બદલે રાજ્ય સરકારે સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને શહેરી વિકાસની નવી વ્યાખ્યા પ્રસ્થાપિત કરી લોકોની સર્વાંગી સુખાકારી ધ્યાનમાં રાખી કાર્યોનો પ્રારંભ કર્યો છે .
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે લોકોના પ્રશ્નોની રજૂઆતો માટે અને લોકોના પ્રશ્નો નું નિરાકરણ થાય તે માટે ઝડપી પરિણામ લક્ષી કામગીરી થાય તે માટે સતત દેખરેખ સાથે કાર્ય વ્યવસ્થા સરકારે ઉપલબ્ધ કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત અભિયાન ચાલી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવની પણ આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતમાં શહેરી વિકાસ સાથે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ આપણે સિદ્ધ કરવો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં બિન પરંપરાગત ઉર્જાના ઉપયોગના પ્રકલ્પો તેમજ અને ક્લીન એનર્જી ગ્રીન એનર્જી સાથે પર્યાવરણ સુરક્ષા માં પણ ગુજરાતે પણ ભાગીદારી નોંધાવી નવી સિદ્ધિ હાંસલ કરી છે. મહાનગરોના ગંદા પાણીનો નિકાલ તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહે, ઉપરાંત શહેરો ટ્રાફિકની સમસ્યાથી મુક્ત થાય એ માટે અનેક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 187 કરોડના 170 કામો કરવાની પણ સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું .સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે રાજ્યના નગરો મહાનગરોને શહેરી વિકાસ સાથે ધબકતા રાખવા નો આપણો સંકલ્પ છે તેમ અંતમાં જણાવ્યું હતું.વાહન વ્યવહાર રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જવાબદારીપૂર્વક નાગરિક સેવાઓનો વ્યાપ વધારી માળખાગત વિકાસના કાર્યો થાય તે માટે પણ કટિબદ્ધ છે.રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર ના માર્ગદર્શન હેઠળ ઘણા પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે . મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજકોટમાં વિકાસના અનેક કાર્યો મંજુર કરવામાં આવ્યા છે. અગાઉ પણ રાજકોટમાં વિકાસના અનેક કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. અને હજુ વધુ વિકાસ કાર્યો હાથ ધરવાનું સરકારનું આયોજન છે.

