રાજ્યમાં ઉત્તરાયણ પર્વ બાદ કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કોરોનાના કેસો 10 હજારને પાર પહોંચ્યાં હતાં. ત્યારે આજે એક જ દિવસમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. એક જ દિવસમાં 5 હજાર કેસો નોંધાતા આજે કેસોની સંખ્યા 17 હજારથી વધુ કેસો નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઉત્તરાયણ બાદ ચિંતાજનક બની રહી છે. ગઈકાલે 12 હજાર કેસો નોંધાયા હતાં. ત્યારે આજે આ કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યાં 17,119ના કેસોએ પહોંચ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત પણ નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 7883 દર્દીઓ સાજા થયા હતાં. અત્યારસુધીમાં 8 લાખ 66 હજાર 338 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસોનો આંકડો 79, 600 ઉપર પહોંચી ગયો છે. જેમાંથી 113 લોકોને વેન્ટીલેટર ઉપર રખાયા છે.

રાજ્યમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કોરોનાના પીક ઉપર પહોંચ્યો ત્યારે પણ આટલી મોટી સંખ્યામાં કેસો નોંધાયા હતા નહીં. પરંતુ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરમાં આ તમામ આંકડાઓનો રેકોર્ડ તુટી ગયો છે. તેમજ આજે જે 17 હજાર કરતા વધારે કેસો નોંધાતા રાજ્યના આરોગ્ય વિભાગ માટે ચિંતાની સ્થિતિ સર્જાઈ છે.

