દેશના દિગ્ગજ રોકાણકાર અને બિગ બુલથી જાણીતા રાકેશ ઝુનઝુનવાલા હવે મુંબઈના સૌથી મોંઘા વિસ્તારમાં 14 માળના લક્ઝરી હાઉસમાં રહેશે. હાલમાં, તે એપાર્ટમેન્ટ બ્લોકમાં બે માળના મકાનમાં રહે છે. પરંતુ ટૂંક સમયમાં તેનું નવું ઘર મલબાર હિલ્સમાં હશે. ઘણા ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ જગતની જાણીતી હસ્તીઓ આ વિસ્તારમાં રહે છે. આ ઘર બનાવવા માટે ઝુનઝુનવાલાએ રૂ.371 કરોડ રૂપિયામાં જમીન ખરીદી હતી.
મલબાર હિલને મુંબઈનો સૌથી મોંઘો વિસ્તાર માનવામાં આવે છે. અહીં એક ચોરસ ફૂટની કિંમત એક લાખ રૂપિયાથી વધુ છે. સજ્જન જિંદાલ, આદિ ગોદરેજ અને બિરલા પરિવાર પણ મલબાર હિલમાં રહે છે. મલબાર હિલ પરથી પણ અરબી સમુદ્રનો નજારો દેખાય છે. BG ખેર માર્ગ પર ઝુનઝુનવાલાના 14 માળનો બંગલો બની રહ્યો છે અને આજકાલ તેનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. અગાઉ આ જગ્યાએ 14 ફ્લેટ હતા જે રાકેશ અને તેની પત્ની રેખા ઝુનઝુનવાલાએ 371 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. હવે આ ફ્લેટ તોડીને નવો બંગલો બનાવવામાં આવી રહ્યો છે. કુલ 2700 ચોરસ ફૂટના પ્લોટ પર 57 મીટર ઉંચી ઈમારત બનાવવામાં આવશે. આ એપાર્ટમેન્ટ અગાઉ ખાનગી ક્ષેત્રની બે બેંકોની માલિકીનું હતું. રાકેશ અને રેખા ઝુનઝુનવાલાએ 2013માં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાંથી આમાંથી સાત ફ્લેટ સૌપ્રથમ રૂ. 176 કરોડમાં ખરીદ્યા હતા. ત્યાર બાદ તેણે 2017માં HSBC પાસેથી 195 કરોડમાં બાકીના એપાર્ટમેન્ટ લીધા હતા.

61 વર્ષીય ઝુનઝંનવાલા તેમના પરિવાર સાથે અહીં શિફ્ટ થશે. તેમના પરિવારમાં તેમની 57 વર્ષની પત્ની રેખા, પુત્રી નિષ્ઠા અને જોડિયા પુત્રો આર્યમાન અને આર્યવીર છે. આ પરિવાર હાલમાં હેંગિંગ ગાર્ડન્સ પાસે ઇલ પલાઝો એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં રહે છે. ઝુનઝુનવાલાના નવા ઘરમાં એક માળે બેન્ક્વેટ હોલ, એક પર સ્વિમિંગ પૂલ, એક પર જિમ, એક પર હોમ થિયેટર જેવી વસ્તુઓ હશે. બિલ્ડિંગના ઉપરના માળે 70.24 ચોરસ મીટરનો કન્ઝર્વેટરી એરિયા, રિ-હીટિંગ કિચન, પિઝા કાઉન્ટર, સારી બહાર બેસવાની જગ્યા, વેજિટેબલ ગાર્ડન, બાથરૂમ અને ઓપન ટેરેસ હશે. તેના નવા ઘરમાં તમામ લક્ઝરી હશે. જોવાનું એ રહેશે કે, રોયલ હાઉસમાં શિફ્ટ થયા બાદ તે એરલાઈન્સ બિઝનેસ પર કેટલું ધ્યાન આપી શકે છે.

