ગુજરાત રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને ધ્યાને લઈને સોમવાથી ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવા નિર્ણય લેવાયો છે. હવેથી સુનાવણી વર્ચ્યુઅલ થશે. આવનારા બે દિવસમાં હાઈકોર્ટ પરિસરમાં સેનિટાઈઝેશન કરવામાં આવશે. વકીલની ચેમ્બર પણ બંધ કરી દેવામાં આવશે. 10 કાઉન્ટર કેસના ફાઈલિંગ માટે શરૂ કરવામાં આવશે. બે દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં એન્ટ્રી માટે ગેટ નં.5 સિવાય તમામ બીજા ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.
માત્ર વકીલને જ એન્ટ્રી આપવામાં આવી હતી. કોર્ટ કેન્ટિન પણ બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા મહામારીને કારણે 17 મહિના સુધી વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. તા.17 ઓગસ્ટથી ફિઝિકલ હાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો.ને વર્ચ્યુઅલ સુનાવણી માટે ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. આવનારા ત્રણ અઠવાડિયા સુધી વર્ચ્યુઅલ હિયરિંગ માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલા હાઈબ્રીડ મોડમાં હિયરિંગ રાખવા વકીલ મંડળે એક રજૂઆત પણ કરી હતી. કોરોના વાયરસના કેસમાં ઉછાળો આવતા ગુજરાત રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટ મોકુફ રાખી છે. આ સિવાય અમદાવાદમાં યોજાનારા ફ્લાવર શૉ, પતંગોત્સવ તથા કાંકરિયા કાર્નિવલ જેવા કાર્યક્રમ પણ રદ્દ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ સતત અને સખત રીતે વધી રહેલા કેસને પગલે આરોગ્ય વિભાગ તરફથી રાજ્યના આરોગ્ય કર્મચારીની રજા પણ રદ્દ કરી દેવામાં આવી છે. તમામ કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થઈ જવા માટે આદેશ કરવામાં આવ્યા છે.
અનિવાર્ય સંજોગો સિવાય કોઈ રીતે એમની રજા મંજૂર થશે નહીં. ફ્લાવર શૉમાં પણ મોટી સંખ્યામાં ભીડ ભેગી થતી હોવાને કારણે આ કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યો છે. પતંગોત્સવ પણ રદ્દ કરી દેવામાં આવ્યો છે. ત્રીજી વેવના જોખમ અંતર્ગત કેટલાક જરૂરી નિર્ણય લેવાયા છે. પણ હજુ સુધી શિક્ષણવિભાગ તરફથી શાળા કૉલેજમાં રજા કે સ્કૂલ બંધ કરવા મુદ્દે શિક્ષણમંત્રીએ કોઈ પ્રકારની ચોખવટ કરી નથી. રોજે રોજ ત્રણ હજારથી વધુ કેસો નોંધાવા માંડ્યાં છે. એક બાજુ સરકારે વાઈબ્રન્ટ સમિટ, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટિવલને મોકૂફ કરી દીધાં છે. બીજી તરફ સ્કૂલો બંધ કરવા અંગે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં કોરોનાના કુલ 5,634 કેસ નોંધાયા હતા. બીજી તરફ રાજ્યમાં 200થી વધુ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં છે છતાંય શિક્ષણમંત્રી સ્કૂલો ચાલુ રાખવાની જીદ લઈને બેઠા છે.

