આખા ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ છે. જેના કારણે ક્યારેક એવું પરિણામ સામે આવે છે કે આસપાસના લોકો મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. ઘણી વખત એવું બને છે કે, રખડતા ઢોરને કારણે પ્રજાએ ભોગવવું પડે છે. પણ કચ્છ નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામેથી એક અલગ કિસ્સો સામે આવ્યો છે. મોટી વિરાણી ગામે એક નંદી નળીયા વાળા જૂના મકાન પર જઈ ચડ્યા હતા, સદભાગ્યે આ મકાન બંધ હોવાથી કોઈને હાનિ થઈ ન હતી. પરંતુ નળીયા તૂટી જતા મકાનમાં નુકશાન થયું હતું.

અલબત્ત નળીયા વાળી છતમાં ફસાયેલા આખલાને લોકોએ ભારે જહેમત બાદ નીચે ઉતાર્યો હતો. મોટી વિરાણી ગામના વથાણ ચોક પાસે આવેલા જુના નળીયા વાળા મકાન પર આખલો જઈ ચડી ગયો હતો. પછી એના પગ નળીયામાં ફસાઈ ગયા હતા. નખત્રાણાના રહેવાસી લખન દેસાઈના પ્રમાણે આ બનાવ બુધવારે મોડી રાત્રે બન્યો હતો. જ્યાં ગામમાં ફરતો આખલો પાકા મકાન પર રહેલી સીડી મારફતે ઉપરની છત પર ચડી ગયો હતો. પછી એને ત્યાંથી નીચે ઊતારવા માટે આસપાસના લોકોને પરસેવો વળી ગયો હતો. નીચે ઉતરવાના પ્રયાસમાં તે બાજુના પતરા પરથી દેશી નળીયા લાગેલા મકાન પર જતાં નળીયા તૂટી ગયા હતા. આખલો પછી એમાં ફસાઈ ગયો હતો. જેમાં ગુરૂવારે સવારે આ ઘટના ગ્રામજનોના ધ્યાનમાં આવતાં ભારે જહેમત બાદ આખલાને નીચે ઉતારવામાં આવ્યો હતો. જોકે રખડતા ઢોરનો ત્રાસ ક્યારેક આસપાસના રહેવાસીઓને પરેશાન કરી મૂકે છે. પણ જ્યારે આ નંદી નળીયા પર ચડ્યો ત્યારે જોવાજેવી થઈ હતી.

